સતત છઠ્ઠા વર્ષે કચ્છના પ્રોજેક્ટ રાષ્ટ્રીયસ્તરે પસંદ

સતત છઠ્ઠા વર્ષે કચ્છના પ્રોજેક્ટ રાષ્ટ્રીયસ્તરે પસંદ
ભુજ, તા. 2 : રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસની, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ રાજ્ય સ્તરની સ્પર્ધા તા. 28 અને 29 ડિસેમ્બરના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં જુદા જુદા જિલ્લામાંથી 300થી વધારે પ્રોજેક્ટ રજૂ થયા હતા.  કચ્છમાંથી  ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત  કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના  માર્ગદર્શન હેઠળ 10 શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ રાજ્યસ્તરની સ્પર્ધામાં કુલ્લ 28 પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી. જેમાં કચ્છની દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની વિદ્યાર્થિની કશિશ કપિલ સચદેએ કઠિન હરીફાઈમાં મેદાન માર્યું હતું. વર્ષ 2014થી સતત છઠ્ઠા વર્ષે પણ કચ્છ જિલ્લાનો પ્રોજેક્ટ પસંદ થયો છે. આ વર્ષે કશિશ સચદે અને તેમના માર્ગદર્શક શિક્ષક વિશાખા એસ. સચદેએ `િડકોન્ટમીનેટ ટુ ક્રિએટ એ હેલ્થી વી' વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ શાહુના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ અપાયા હતા. આગામી તા. 27થી 31 ડિસે.ના કેરળ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી આ સ્પર્ધામાં ગુજરાત વતી કચ્છ જિલ્લાના પ્રતિનિધિત્વ કરશે. આ સફળતાને કચ્છ એનસીએસસીના એકેડમિક કો.ઓર્ડિનેટર અનિલભાઈ ગોર, જિલ્લા ઈવેલ્યુટર ડો. ઉર્મિલભાઈ હાથી. ડો. ગિરીનભાઈ બક્ષી, ડો. એકતાબેન જોષી, ધી ઈન્ડિયન પ્લેનેટરીના અધ્યક્ષ ડો. જે.જે. રાવલ, કુલદીપસિંહ સંધા, આચાર્ય ડો. સુબોધ થપલીયાલ તથા જિલ્લા કો.ઓ. પ્રવીણ મહેશ્વરીએ બિરદાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer