સમગ્ર શિક્ષા અભિયાનના ગ્રીન- રેડ ઓડિટમાં ઉઘરાણા !

ભુજ, તા. 2 : કચ્છ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓ, સી.આર.સી., બી.આર.સી. અને હાઇસ્કૂલોના ગ્રીન અને રેડ ઓડિટ કરવામાં આવ્યા હતા. જેમાં ઓડિટરોની વ્યવસ્થાના ભાગરૂપે તો ક્યાંક વાઉચરોમાં ગેરરીતિ મુદ્દે ઉઘરાણા કરાયા હોવાનો આક્ષેપ ઊઠયો છે. શિક્ષણ જગતમાંથી જ પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે ગત 2018-19નું ઓડિટ કરવામાં આવ્યું હતું. ગ્રીન અને રેડ પ્રકારના આ ઓડિટ દરમ્યાન દરેક તાલુકાદીઠ ઉઘરાણા કરવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લખપત, અબડાસા તાલુકામાં ઓડિટ પેટે રૂા બેથી ત્રણ હજાર, નખત્રાણા તાલુકામાં એકથી દોઢ હજાર જ્યારે બાકીના તાલુકાઓમાં રૂા. બસ્સોથી પાંચસો રૂપિયા ઉઘરાવાયા છે. આ ઉઘરાણા દરમ્યાન જેઓ ઇમાનદાર હતા તેવાઓ પાસેથી તથા જેમના ખોટા વાઉચરો બન્યા હોય અને તેમના ઓડિટમાં પારા (રિમાર્ક) ન કાઢવા પેટે પણ ઉઘરાણા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ કરાયેલા ઓડિટમાં એક-એક સ્થળે 300થી 400 શાળાઓના ઓડિટ કરવામાં આવતાં અરાજકતા જેવો માહોલ પણ છવાયો હતો તેમ એક સાથે આટલી મોટી સંખ્યામાં થતા ઓડિટનું ચેકિંગ કઇ રીતે કરી શકાય તેવો પણ સવાલ જાગૃતો ઉઠાવી રહ્યા છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, અમારા ધ્યાન પર આવી બાબત આવી નથી તેમ આ ગાંધીનગર કક્ષાએથી આવતી ખાનગી ઓડિટ કંપની છે તથા શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી.ને સ્પષ્ટ સૂચના પણ આપી છે કે કોઇપણ ભૂલ થઇ હોય તો લેખિતમાં જવાબ આપી દેવો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer