સીસીસી પ્રશ્ને કોર્ટમાં ગયેલા શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણનો મળશે લાભ

ભુજ, તા.2 : ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી સીસીસી પરીક્ષા પાસ કરનાર કચ્છના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો આપવા નાયબ નિયામક સમક્ષ શિક્ષક સમાજ તથા રાજ્યમંત્રીની રજૂઆતોનો સાનુકૂળ પડઘો પડયો છે અને નાયબ નિયામકે આ અંગે પરિપત્ર કરતાં શિક્ષકોમાં આનંદ વ્યાપ્યો છે. ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી સીસીસી પરીક્ષા પાસ કરનાર કચ્છના પ્રા. શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો મળતા નહોતા એવા શિક્ષકોએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા અને ચુકાદો પણ તેમની તરફેણમાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક વહીવટી કારણોસર આ શિક્ષકો આ લાભથી વંચિત રહી જવા પામ્યા હતા. પરિણામે તેમનામાં અસંતોષ જોવા મળતો હતો. આ બાબતે કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા મહામંત્રી ભૂપેશ ગોસ્વામીએ પ્રા. શિક્ષણ નિયામક તથા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સમક્ષ રજૂઆત કરી હતી. આ સાથે રમેશભાઈ જોષી, જિજ્ઞેશ જાની, યોગેશ ભટ્ટ સહિત કચ્છના શિક્ષકોનું એક પ્રતિનિધિત્વ મંડળ મંત્રી શ્રી આહિરને રૂબરૂ મળી આ બાબતે રજુઆત કરતાં મંત્રીએ નાયબ નિયામક શ્રી રાવલ સમક્ષ રજુઆત કરી હતી, જેનો ખૂબ સાનુકૂળ પડઘો પડયો હતો અને નાયબ નિયામકે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલા અને કોર્ટમાં ગયેલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો આપવા પરિપત્ર કરતાં સંબંધિત શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer