લ્યો... સરકારી ચોપડે બેરોજગારોની સંખ્યા ઘટી
હેમાંગ પટ્ટણી દ્વારા
ભુજ તા 21 : હાલ કચ્છ-ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેરોજગારીના મુદ્દે ઘમસાણ મચેલી જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ જાહેર કરી યુવાનોને રોજગારી અપાવવા માટેના પ્રયાસો કરી રહી છે. જો કે તેની સફળતા મળી રહી છે કે કેમ તેના પર સર્જાતા પ્રશ્નાર્થ વચ્ચે વીતેલા પ વર્ષ દરમિયાન કચ્છમાં રોજગારવાંછુ યુવાનોની સંખ્યા સરકારી ચોપડે ઘટી રહી છે. જિલ્લા રોજગાર કચેરીમાંથી મળેલા આંકડા અનુસાર 201પની સાલમાં કચ્છમાં કુલ નોંધાયેલો બેરોજગારોનો આંકડો 16836 હતી તે 2019ના ઓકટોબર માસની સ્થિતિએ ઘટીને 13603 પર પહોંચી ગયો છે. એટલે કે આ સમગાળામાં બેરોજગાર યુવાઓની સંખ્યામાં 3233નો ઘટાડો થયો છે. જિલ્લામાં 9726 યુવક અને 3877 યુવતીઓ હજુ પણ રોજગારી ઝંખી રહ્યા છે. વિગતે વાત કરીએ તો 201પમાં 12762 યુવકો રોજગારવાંછુ હતા જેની સંખ્યા ઘટીને હાલ 9726 થઈ ગઈ છે. એ જ રીતે યુવતીઓની સંખ્યા 4074થી ઘટીને 3877 પર અટકી છે. રોજગાર અધિકારી મહેશ પાલાએ જણાવ્યું કે, ચાલુ સાલે 22 રોજગાર ભરતી મેળા યોજી 4પ68 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવા સાથે આ વર્ષ દરમિયાન 8906ને રોજગારી આપવામાં આવી છે. એ જ રીતે 201પમાં 1પ792, 2016માં 14934, 2017માં 1પ2પ0 અને 2018માં 18030 રોજગારી પૂરી પાડવામાં આવી છે. ચાલુ સાલે આચારસંહિતાના કારણે 3 માસ સુધી પ્રક્રિયા સ્થગિત રહેતાં રોજગારીનો આંકડો થોડો ઓછો હોવાનું રોજગાર અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું. નોંધનીય વાત એ છે કે, એક તરફ જ્યાં યુવાનો બેકારીથી કંટાળી આપઘાત કરી પોતાનું આયખું ટૂંકાવી રહ્યાના કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે. આવા સંજોગોમાં બેરોજગારોની સંખ્યામાં સરકારી ચોપડે થઈ રહેલો ઘટાડો ચોક્કસથી શંકા જન્માવવા સાથે આશ્ચર્ય જગાવે તે સ્વાભાવિક છે. કેટલાક જાણકારો એમ કહી રહ્યા છે કે, ભરતી મેળા મારફત જે કંઈ રોજગારીનું સર્જન થાય છે તે મોટા ભાગના કિસ્સામાં કાયમી નહિ પણ કરાર આધારિત કે હંગામી જ હોય છે. જેથી આંકડાઓનું સોહામણું ચિત્ર દેખાડાઈ રહ્યાનું ઉપસી રહ્યું છે.