ગાંધીધામ-અંજારમાં આંકડો રમાડતા બે શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 2 : શહેરના પી.એસ.એલ. કાર્ગોના મેદાનમાં આંકડાનો જુગાર ખેલતા એક ઈસમની અટક કરી તેની પાસેથી રોકડા રૂા. 1100 જપ્ત કરાયા હતા. બીજીબાજુ અંજારના ગંગાનાકા પાસે આંકડો રમતા શખ્સની ધરપકડ કરી તેની પાસેથી પોલીસે રોકડા રૂા. 510 હસ્તગત કર્યા હતા. શહેરની પી.એસ.એલ. કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેનારા જીલમીલ કોરા મોન શીદર મુસ્લિમ નામના ઈસમની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સ કાર્ગોના ખુલ્લા મેદાનમાં લોકોને આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો તે દરમ્યાન પોલીસે તેને દબોચી લઈ તેની પાસેથી રોકડા રૂા. 1100 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કર્યું હતું. બીજીબાજુ અંજારના ગંગાનાકા ત્રણ રસ્તા નજીકથી રામકૃષ્ણ મહાવીરનગરમાં મનોજ મગનલાલ ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સ પોતાના ફાયદા માટે લોકોને આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો તેની અટક કરી તેની પાસેથી રોકડા રૂા. 510 અને આંકડાનું સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છમાં તેમાંય ખાસ કરીને કંડલા, ગાંધીધામ, આદિપુર અને અંજારમાં હજુય આંકડાની માયાજાળ બિછાવાયેલી છે. હજુ પણ બેરોકટોક આંકડાની બદી ફૂલીફાલી છે. ત્યારે કયારેક એકાદ કેસ કરીને ખાખી સંતોષ માની લેતી હોય છે. આ બદીના આકાઓને નહીં પકડાય ત્યાં સુધી આ બદી આમ જ ચાલુ રહેશે તેવું જાણકાર લોકો જણાવી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer