કચ્છમાં અકસ્માત-આપઘાતથી ત્રણ જીવન રોળાયાં

ગાંધીધામ, તા. 2 : ભુજના સુરલભીટ્ટ રોડ ઢોરવાડા નજીક લાકડું માથે પડતાં વેલા વલુ કોળી (ઉ.વ. 40) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ આદિપુરમાં મનોજ રેવાચંદ ધનવાણી (ઉ.વ. 29) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે રાપરનાં ફતેહગઢમાં ખાંડેક ત્રણ રસ્તા પાસે ડમ્પર હડફેટે ચડતાં કેશુ તેજા કોળી (ઉ.વ. 35) નામના યુવાનનું મોત થયું હતું તો અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. ભુજના સુરલભીટ્ટ રોડ સંત રોહિદાસ નગરમાં રહેતા વેલા કોળી નામના યુવાનનું આજે બપોરે મોત થયું હતુ. આ હતભાગી યુવાન લાકડાં કાપીને આવી રહ્યો હતો તે દરમ્યાન તેનો પગ લપસતાં મોટું લાકડું તેના ઉપર પડયું હતું. જેમાં તેને માથામાં ગંભીર પ્રકારની ધજાઓ થતાં આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આદિપુરના વોર્ડ 6-એમાં રહેનારા મોબાઇલની દુકાન ચલાવતા મનોજ ધનવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ યુવાન ગત રાત્રે પરિવારજનોથી અલગ બીજા રૂમમાં સૂતો હતો. તેવામાં ગમે ત્યારે તેણે બારીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. તેણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી. આ કારણ જાણવાની દિશામાં આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. વધુ એક જીવલેણ અકસ્માત ફતેહગઢમાં ખાંડેક ત્રણ રસ્તા પાસે સર્જાયો હતો કેશુ કોળી તેની પત્ની લાખુબેન (ઉ.વ. 34) અને દીકરો લખમણ (ઉ.વ.10) આ ત્રણેય બાઇક નંબર જીજે- 12-બીઇ-0488 લઇને વાડીએથી ઘરે આવતા હતા. તેવામાં ડમ્પર (ટ્રક) નંબર જીજે- 12-બી ડબલ્યુ- 9002એ બાઇકને હડફેટમાં લેતાં યુવાનને ગંભીર ઇજાઓ થઇ હતી. જેના પગલે તેનું મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને બાળકને ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ થકી સારવાર અર્થે ખસેડાયા હતા. પત્નીની નજર સમક્ષ પતિના મોતના આ બનાવને કારણે ભારે ગમગીની છવાઇ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer