ગાંધીધામમાં 50 લિટર ડીઝલ અને 12 હજાર રોકડાની લૂંટ ચલાવાઈ

ગાંધીધામ, તા. 2 : શહેરના જી.આઈ.ડી.સી.માં ટી.ટી.સી. કાંટા નજીકથી ચાર શખ્સોએ એક ડમ્પરમાંથી 50 લિટર ડીઝલ તથા ચાલક પાસેથી પગારના રૂા. 12,000ની લૂંટ કરીને નાસી ગયા હતા. લૂંટના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના જી.આઈ.ડી.સી.માં ટી.ટી.સી. કાંટા પાસે ઝૂંપટપટ્ટીમાં રહેતા અને રાધાક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાં ડમ્પર નંબર જીજે -12 -એવાય- 5884માં ચાલક તરીકે કામ કરનારા મનોહર કુમાર રામચંદ્ર સિંઘે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન ગઈકાલે રાત્રે ડમ્પર ટીટીસી કાંટા પાસે લઈ આવ્યો હતો. તે વાહન રાખીને ઘર બાજુ જઈ રહ્યો હતો ત્યારે કિડાણાના જુસબ, શબ્બીર અને અન્ય બે એમ ચાર ઈસમો ત્યાં આવ્યા હતા. આ ઈસમોએ ડમ્પરમાંથી ટામી કાઢવાની કોશિશ કરતાં ચાલકે તેમને પડકાર ફેંકયો હતો. દરમ્યાન આ શખ્સોએ કોઈ ધારદાર હથિયારના જોરે આ ચાલકને પકડી લીધો હતો અને ડમ્પરમાંથી 50 લિટર ડીઝલ કાઢી લીધું હતું. તેમજ તેને મળેલા પગારના રોકડા રૂા. 12,000ની લૂંટ કરી હતી. રાડારાડના પગલે બાજુમાં ચાની હોટલવાળા ગોવિંદ વેલા ભરવાડ ત્યાં દોડી આવતાં આ શખ્સોએ તેના ઉપર હુમલો કરી તેને પણ ઘાયલ કર્યો હતો. લૂંટના બનાવને અંજામ આપી આ ચારેય ઈસમો નાસી ગયા હતા. આ સંકુલમાં વધી રહેલા લૂંટના બનાવોને પગલે ભારે ચકચાર પ્રસરી છે. તો હજુ પણ આ સંકુલમાં ડીઝલ, ચોખા, ઘઉં વગેરે વસ્તુઓની બેરોકટોક ચોરી થતી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer