મિરજાપરમાં વીજ જોડાણ કાપવા ગયેલી તંત્રની ટીમ પર હુમલો
ગાંધીધામ, તા. 2 : ભુજ તાલુકાના મિરજાપરમાં વીજ જોડાણ કાપવા ગયેલા વીજ કર્મીઓ ઉપર હુમલો કરી તેમના મોબાઈલ તોડી નાખતાં એક મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભુજ ગ્રામ્ય સબડિવિઝન વીજ કચેરીના લાઈનમેન જતિન ભટ્ટ અને હેલ્પર વિમલ જણસારી મિરજાપર ગયા હતા. જે લોકોએ વીજ બિલની રકમ ભરી નહોતી તેમના વીજ જોડાણ કાપવા નિકળેલા આ બંને કર્મીઓ મિરજાપરમાં હીરાલાલ વેલજી હીરાણીના કારખાને ગયા હતા અને તેમનું જોડાણ કાપી નાખ્યું હતું. તેવામાં આ હીરાલાલ હીરાણી, તેમના પત્ની રેખાબેન તથા બે દીકરા પવન અને હર્ષ અહીં ધસી આવી આ કર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. બાદમાં નાયબ ઈજનેર નીરવ ઢેબર ઠક્કર અને જુનિયર ઈજનેર કીર્તન ગોહિલ પણ અહીં આવ્યા હતા. આ માથાકૂટ ચાલુ હતી ત્યારે જતિને પોતાના મોબાઈલથી શૂટિંગ કરતાં આ ચારેય લોકોએ તેને માર માર્યો હતો. તેવામાં નીરવ ઠક્કરે પણ મોબાઈલથી શૂટિંગ કરવાની કોશિશ કરતાં આરોપીઓએ આ નાયબ ઈજનેરને માર મારી તેની પાસેના મોબાઈલની ડિસ્પ્લે તોડી નાખી હતી. આજે સવારે બનેલા આ બનાવ અંગે પોલીસે જુદીજુદી કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.