વિધવા સહાયનાં ફોર્મ મેળવવા પણ ખાવા પડે છે ધક્કા

ભુજ, તા. 1 : શહેરની મામલતદાર કચેરીમાં વિધવા સહાય મેળવવા માટે આવતી મહિલા અરજદારોને તંત્રની ઢીલી નીતિના કારણે ભારે હાલાકી સહન કરવાનો વારો આવી રહ્યો છે. સહાય મળવાની વાત દૂર રહી, આ માટેનાં ફોર્મ મેળવવા પણ ધક્કા ખાવાની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે. કેટલાક અરજદારોએ પોતાની આપવીતી વર્ણવતાં કહ્યું કે, મામલતદાર કચેરીના પહેલા માળે સમાજ સુરક્ષા વિભાગની કચેરીમાંથી વિધવા સહાયનાં ફોર્મ મળતાં હોય છે અને અહીંથી જ સહાય આપવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. પણ આ શાખામાં જવાબદાર કર્મચારીઓ જ નિયત સમય કરતાં મોડા આવતા હોવાથી કામ તો ટલ્લે ચડે જ છે તેની સાથે કામનો નિપટારો કરવા માટે એકથી વધુ વાર ધક્કા ખાવા પડતા હોય છે. જવાબદારો હાજર ન હોય તો આ શાખાના અન્ય કર્મચારીઓ મહિલા અરજદારોને વિધવા સહાયનાં ફોર્મ આપવાની પણ તસ્દી લેતા ન હોવાનો આક્રોશ પણ વ્યક્ત કરાયો છે. વિધવા સહાયની અરજીઓનો વેળાસર નિકાલ થાય તે માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવાય તેવી લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer