કવાર્ટર ફાળવણીને મુદે ડીપીટી અધિકારી વર્તુળમાં ધૂંધવાટ: વિરોધનો ઊઠતો સૂર

ગાંધીધામ, તા. 2 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની વસાહત ગોપાલપુરીમાં આવેલાં કવાર્ટસ ફાળવણીમાં ડીપીટીના જ અધિકારીઓને અન્યાય થતો હોવાની બૂમ ઉઠી છે. તાજેતરમાં અન્ય સરકારી કચેરીના ઉચ્ચાધિકારીને કવાર્ટર ફાળવાતાં ઓફિસર્સમાં ધૂંધવાટ શરૂ થયો છે અને વિરોધ વ્યકત કરવા હિલચાલ શરૂ થઈ છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીપીટી વસાહત ગોપાલપુરીમાં એથી એફ. ટાઈપના વિવિધ શ્રેણીના મકાનો બનાવાયા છે. નાના કર્મચારીથી માંડીને ઓફિસર કક્ષા માટેનાં આ કવાર્ટર ફાળવવા નીતિ નિયમો પણ બનાવાયેલાં છે. ભૂતકાળમાં કેટલાક રાજકીય અગ્રણીઓને આવા નિયમોને બાજુએ રાખીને કવાર્ટર ફાળવાયાં ત્યારે કોઈએ ગમે તે કારણે વિરોધ કર્યો નહોતો. એક અધિકારીને તો ફરજ મુકત કરાયા છતાં કવાર્ટર રોકીને બેઠા છે. એ અંગે પણ ઓફિસરોમાં કોઈ કશું બોલતું નથી પરંતુ તાજેતરમાં એક કેન્દ્ર સરકારની એજન્સીના અધિકારીને એક વર્ષથી ખાલી બી- ટાઈપ કવાર્ટર ફાળવાતાં કેટલાક અધિકારીને ચૂંક ઉપડી છે. અધિકારીઓના વેટ્સ એપ ગ્રુપમાં આ અંગે ભારોભાર નારાજગી વ્યકત થઈ રહી છે. ભૂતકાળમાં જયારે જયારે નિયમોને બાજુએ રાખીને કવાર્ટર ફાળવણી થઈ છે ત્યારે કોઈ વિરોધ નથી થયો પરંતુ ડીપીટીમાં નવા અધ્યક્ષ તરીકે એસ.કે.મેહતાના આવ્યા પછી થોડી કડકાઈ તેમણે દેખાડતાં આવો વિરોધ થતો હોવાનું સૂત્રો કહે છે. આશ્ચર્ય વચ્ચે આ અંગે લેખિતમાં વિરોધ નોંધાવવા પણ તૈયારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. અધ્યક્ષ કક્ષાએથી નિર્ણય થયા પછી આ પ્રકારની વર્તણૂક વાજબી ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer