પૂર્વ કચ્છમાં દુકાનો તોડીને તસ્કરોએ મચાવ્યો તરખાટ : સવા લાખની માલમતા તફડાવી

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છમાં દુકાનોના પતરાં, નળિયાં તોડીને ચોરીના બનાવોને અંજામ આપનારી ટોળકી છેલ્લા લાંબા સમયથી સક્રિય થઈ છે તેવામાં ભચાઉના મોટી ચીરઈ નજીક મોબાઈલની બે દુકાનોમાંથી રૂા. 75,038ની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તો બીજીબાજુ રાપરના ગાગોદરમાં પાંચ દુકાનો પેન્ટ-શર્ટ, જાકિટ, ગુટખા, રોકડ રકમ વગેરે મળીને કુલ રૂા. 37,430ની મતાની તસ્કરી થઈ હતી. નવી મોટી ચીરઈ નજીક સેન્ચુરી પ્લાયવૂડ કંપની આગળ આવેલી આશાપુરા મોબાઈલ અને આઈ માતા ટેલિકોમ નામની દુકાનોમાંથી ખાતર પાડયું હતું. દશ વર્ષથી અહીં રહેતા અને આ દુકાનો ચલાવતાં રાજારામ ઠાકરીરામ પુરોહિત નામના યુવાને ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેની આ બંને દુકાનોના પતરાં તોડી તસ્કરો અંદર ખાબકયા હતા. તેની અંદરથી સેમસંગ, રેડમી, ઈનક્રિનિક્સ, લાવા, ટેકનો, ફુલપેડ, નોકિયા વગેરે કંપનીના 12 નંગ નવા મોબાઈલ કિંમત રૂા. 75,038ની તસ્કરી કરી નાસી ગયા હતા. ગત તા. 20/11ના રાત્રે 9થી 21/11ના સવારે 10 વાગ્યા દરમ્યાન બનેલો આ બનાવ આજે પોલીસના ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. બીજીબાજુ ગાગોદર ગામમાં બસ સ્ટેન્ડ નજીક તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. અનુસૂચિત જાતિના મેઘા મહાદેવાભાઈની કાપડની દુકાનના નળિયાં તોડી તેમાંથી પાંચ જાકિટ, નાઈટ પેન્ટ નંગ-10, ચાર થેલા, 20 શર્ટ, 12 જીન્સ તથા નટવરગિરિ પુરનગિરિ ગોસ્વામીની દુકાનના પતરાં તોડી તેમાંથી રોકડ રૂા. 1000, સિગારેટના પાંચ પેકેટ, વિમલ ગુટખાના 3 પેકેટ, તથા રમેશ ભીખા રાજપૂતની દુકાનમાંથી રોકડ રૂા. 2000, વિમલના 8 પેકેટ, મિરાજના 10 પેકેટ, બીડીના 6 પેકેટ, અને લખમણ અવચરની દુકાનમાંથી રોકડ રૂા. 7000, ગુટખાના પેકેટ તથા માયા બેચરા ગોહિલની દુકાનમાંથી રોકડ રૂા. 8850 એમ આ પાંચ દુકાનોમાંથી રૂા. 37,430ની મતાની તફડંચી કરી તસ્કરો નાસી ગયા હતા. ગત તા. 29/11 અને 30/11ની રાત્રિ દરમ્યાન બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer