રાપર તાલુકાના સુખપરના ખારવા ડેમને ઊંડો ઉતારવા ધારાસભ્યની માંગ

રાપર, તા. 2 : તાલુકાના સુખપર ગામે આવેલા ખારવા ડેમ ઊંડું ઉતારવા તથા ઓગન ઊંચું લેવા ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. વર્ષો જૂના ખારવા ડેમને ઊંડું ઉતારવા રજૂઆત છેલ્લા ઘણા સમયથી કરી હોવા છતાં કોઈ હકારાત્મક પગલાં ભરાયા નથી. ડેમ ઊંડું ઉતારવાથી અંદાજે 200થી પણ વધારે ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે અને ખેતી કરી સ્થાનિકે જ પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવી શકે તેમ છે. પહેલાં આ ડેમની ફરતે ખેડૂતો 80થી પણ વધારે મશીનો પાણી ઉપાડવા અને ખેતી પિયત કરવા અર્થે મૂકતા હતા પરંતુ હાલના સમયમાં 20 મશીનો ઉપાડી શકે તેટલું પાણી માંડ માંડ ભરાય છે માટે ઊંડાઈ વધારવાની તથા પાળ સાથે ઓગનને પણ ઊંચું લેવા અને જરૂરિયાત પ્રમાણે ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer