કચ્છમાં 1 કરોડથી વધુના સિંચાઈ કામોના ટેન્ડર ખૂલ્યા

ભુજ, તા. 30 : જિલ્લા પંચાયતની સિંચાઈ શાખા દ્વારા રૂા. 1 કરોડથી વધુના અંદાજિત ખર્ચે તળાવો, ડેમો અને કેનાલોની સફાઈના 49 જેટલા કામો મંજૂર કરાયા હતા. જો કે, ગઈકાલે ખોલાયેલા ટેન્ડરોમાં અંદાજિત રકમ કરતાં અલગ-અલગ કામોના 1થી 31 ટકા જેટલા ભાવો નીચા આવતાં આ કામોની ગુણવત્તા સામેય સવાલ ઊઠી રહ્યા છે. જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે તા. 28ના 4 જેટલી નિવિદા ખોલવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ભુજ, લખપત, અંજાર, મુંદરા અને અબડાસા તાલુકાઓના ડેમો, તળાવો અને કેનાલોની સુધારણાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોની મંજૂરી મળતાં હવે એજન્સીઓ પાસેથી ડિપોઝિટ ભરાવી કામોના વર્ક ઓર્ડર અપાશે. આ કામો દરમ્યાન કેનાલોની સફાઈ થવાના કારણે આજુબાજુના વિસ્તારોના ખેડૂતોને સિંચાઈના પાણીનો બહોળા પ્રમાણમાં લાભ મળશે જેના થકી ખેડૂતોમાં સદ્ધરતા આવશે. જો કે, નીચા ભાવોના કારણે કામોમાં ગુણવત્તા જળવાય તે પણ જરૂરી હોવાનો મત જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. આ કામો પર નજર કરીએ તો સરકારના અંદાજિત ભાવો કરતાં નીચા આવેલા ભાવો મુજબ અંજાર તાલુકાના વરસામેડી ગામે રૂા. 82,915, મુંદરા તાલુકાના શીરઈ ગામે રૂા. 92,764, ફાચરિયા ગામે રૂા. 53,300, ભુજ તાલુકાના પેકેજના કામોમાં અંધૌ, જામકુનરિયા અને ખાવડામાં રૂા. 2,41,416, લખપત તાલુકાના માલરો ગામે 2,89,446, લખપત તાલુકામા અમિયા ગામે વાણવાળું તળાવ-ડેમ, સુધારણા માટે રૂા. 2,92,648, ભુજ તાલુકાના કુરન ગામે ભીટાલી તળાવ માટે રૂા. 3,87,901, ભચાઉ તાલુકાના જડસા ગામે ડેમ સેફ્ટી માટે રૂા. 4,57,421, રાપર તાલુકાના મેવાસા ગામે ડેમ સેફટી માટે રૂા. 3,86,188, ભુજ તાલુકાના ઝુરા ગામે એકલદાદા તળાવ માટે રૂા. 3,79,939, અબડાસા તાલુકાના પેકેજના પાંચ કામો પૈકી વાઘાપદ્ધર, કુવાપદ્ધર, નલિયા, ઉસ્તિયા અને નાની બેરના કામો માટે રૂા. 6,94,608.98, બુટા, ગોયલા, વમોટી મોટી, કાપડીસર, કડોલી, સરગુઆરા માટે રૂા. 7,48,997.76 (જે કે, આ પાંચ કામ માટે એક જ એજન્સી આવતાં તેના નિર્ણય માટે વડી કચેરીએ મોકલવામાં આવશે.), નખત્રાણા તાલુકાના પેકેજના ત્રણ કામો પૈકી અધોછની, ઝાલુ, દેવસર ગામોના કામો માટે રૂા. 7,65,941, પેકેજ-2માં વિગોડી, ગુગરિયાણાના કામો માટે રૂા. 5,95,056, લખપત તાલુકાના પેકેજ પૈકી-1માં મેઘપર-2, ગોપાલવારી વાંઢ, મુરચબાણના કામો માટે રૂા. 5,07,524, લખપત તાલુકાના પેકેજ-2ના 6 કામો કનોજ, રાખડી, બુરખાણ, બરંદા, મણિયારો અને ભેખડો ગામે રૂા. 4,49,841, માંડવી તાલુકાના પેકેજ-1માં ખારોડ, વિજય સાગર, વણોઠી, વાંઢ, વેંગડી, ફરાદીના રૂા. 5,97,849 તો લખપત તાલુકાના ખેંગારપર ગામે નામોરીશી ડેમ-તળાવ માટે રૂા. 5,39,956, ભુજ તાલુકાના સાધાર ગામે ડેમ-કેનાલ સુધારણાના કામ માટે રૂા. 4,87,211, તો આજ તાલુકાના લોઠિયા ગામે રૂા. 4,46,903 અને નખત્રાણા તાલુકાના (કાયલા) જળ સિંચન પેટા વિભાગ સંકુલમાં મરંમતના કામ માટે રૂા. 8,26,985ના ખર્ચે કામો થશે. સરકારના 1 કરોડ 87 હજારના અંદાજ સામે અલગ અલગ કામોમાં 1થી 31 ટકા નીચા ભાવે ટેન્ડરો ખૂલતાં આ કામો અંદાજે રૂા. 85.75 લાખમાં થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે, આ કામોની ગુણવત્તા ચકાસણીની કામગીરી કવોલિટી કન્ટ્રોલની હોય છે. આ કામો બરાબર થયા છે, તેના સર્ટિફિકેટ અપાયા બાદ જ ફાઇનલ પેમેન્ટ કરવાનું હોય છે, પરંતુ કચ્છમાં થતા સરકારી કામોની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી થોડા જ સમયમાં આ કામોમાં થયેલો ભ્રષ્ટાચાર બહાર આવતો નજરે પડે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer