રેલવે ખાનગીકરણના નિર્ણયનો વિરોધ : ચેન્નાઈમાં કામદાર સંઘનું અધિવેશન

ગાંધીધામ, તા. 2 : કેન્દ્ર સરકાર દ્વારા રેલવેનું ખાનગીકરણ કરવાના લેવાયેલા નિર્ણય સામે ભારે વિરોધનો સૂર રેલાયો છે, ત્યારે ઓલ ઈન્ડિયા રેલ મેન્સ ફેડરેશન દ્વારા આગામી તા. 4થી તા. 6 સુધી યોજાનારા અધિવેશનમાં આ મુદ્દા સહિત રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને મંથન કરાશે. રેલવેનું ખાનગીકરણ રોકવા અને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાના હેતુ સાથે યોજાનારા આ અધિવેશનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયન અને એ.આઈ.આર.એફ. દ્વારા પોતાની તાકાત બતાવાશે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે યુનિયનનું અમદાવાદ ડિવિઝનનું પ્રતિનિધિ મંડળ આજે ચેન્નાઈ જવા રવાના થયું હતું. યુનિયનના મંડલ મંત્રી એચ.એસ. પાલના નેતૃત્વના પ્રતિનિધિ મંડળમાં ગાંધીધામ શાખાના પદાધિકારીઓ પણ અધિવેશનમાં ભાગ લેવા માટે ચેન્નાઈ રવાના થયા હતા. ચેન્નાઈ અધિવેશનમાં જતાં પૂર્વે મંડલ મંત્રી શ્રી પાલે જણાવ્યું હતું કે, રેલવેનાં મહત્ત્વનાં કામ કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે છે. આ બાબત પરોક્ષ રૂપે ખાનગીકરણનો પ્રયાસ છે અને કામની ગુણવત્તા ખરાબ થવાના કારણે પ્રવાસીઓમાં રેલવે પ્રત્યે નકારાત્મક વલણ ઊભું થાય છે. આ વેળાએ બહોળી સંખ્યામાં યુનિયનના સભ્યો હાજર રહ્યા હતા, તેવું યુનિયનના પ્રચાર પ્રસાર પ્રભારી સંજય સૂર્યબલીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer