ભચાઉમાં દબાણ-જમીન માલિકીનો વિવાદ

ભચાઉમાં દબાણ-જમીન માલિકીનો વિવાદ
ગિરીશ જોશી દ્વારા-
ભચાઉ, તા. 1 : ભયાનક ભૂંકની થપાટ પછી અનેક મુસીબતો વચ્ચે પણ એક યુવાનની જેમ થનગનતા ભચાઉ શહેરનો ભલે વિકાસ તો થયો પરંતુ અમુક પ્રશ્નો એવા વણઉકેલ્યા છે જેનો અંત આવતો જ નથી. ધરતીકંપ બાદ ભચાઉ-સામખિયાળી વિસ્તારમાં ઔદ્યોગિક આગમનને પગલે જમીનોના ભાવ આસમાને પહોંચી જતાં હજારોમાં બોલાતી કિંમત લાખોમાં થઈ જતાં અમુક વર્ગનો બદઈરાદો પણ સામે આવ્યો ને થઈ ગઈ દબાણ પ્રવૃત્તિ શરૂ. શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં સરકારાની ભૂમિ પર પેશકદમી થઈ ચૂકી છે તો કેટલાક વગદારો આવી ભૂમિને પચાવી પાડવા તમામ પેંતરા કરી રહ્યા છે. બીજીબાજુ એસ.ટી. બસ સ્ટેશન અદ્યતન રીતે બની તો ગયું, પણ જમીન માલિકીનો વિવાદ હજુય પીછો છોડતો નથી. વાગડની વહારે પહોંચેલી કચ્છમિત્રની ટીમ સમક્ષ ભચાઉ શહેર અને આસપાસના વિકસિત વિસ્તારના અનેક પ્રશ્નો સામે આવ્યા પછી શહેરની લટાર દરમ્યાન રસ્તાની બંને સાઈડમાં આડેધડ ખડકાઈ ગયેલી દુકાન કે કેબિનો પર ધ્યાન જતાં તપાસ કરી તો દબાણના કિસ્સા બહાર આવ્યા હતા. વિકસેલા ભચાઉ વચ્ચેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. અત્યંત ભારી વાહનોના સતત ધમધમાટને પગલે વિકાસના દ્વાર તો ખૂલ્યા છે સાથે સાથે અકસ્માતના બનાવો પણ વધ્યા છે. 24 કલાક વાહનોની અવર-જવર થકી ભચાઉ-સામખિયાળી હાઈવે પર અકસ્માત થતાં તાત્કાલિક આરોગ્ય સારવાર મળે એ માટે હાઈ-વેને અડીને ટ્રોના સેન્ટર બનાવાયું છે, પરંતુ અહીં જવા કયાંય જગ્યા નથી. આસપાસમાં રેંકડી અને દુકાનો આડેધડ ખડકી દેવામાં આવી છે. ફરતે દબાણ કરી લેવાતું હોવાનું જોવા મળ્યું હતું. અહીંથી આગળ જતાં જ્યાં મામલતદાર, નાયબ મામલતદાર, કોર્ટ વગેરે સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં રસ્તા ઉપર એક લાઈનમાં ગેરકાયદે દુકાનો ઊભી કરી દેવામાં આવી છે. હદ તો ત્યાં થઈ ગઈ કે, સરકારી કચેરીઓમાં જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. શહેરનો કસ્ટમ રોડ, નવા બસસ્ટેશન વિસ્તાર, જૂના બસ સ્ટેશન, સામખિયાળી રોડ, રેલવે, ઉપરાંત છેક સૂરજબારી સુધી ગેરકાયદે હોટલો રૂપી દબાણ જોવા મળે છે અને એક કહેવત છે કે, વારે ઈ અરજણ... અહીં જાણે સાબિત થતી હોય તેવું જોવા મળે છે. કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે અહીંથી નર્મદાની કેનાલ પણ પસાર થાય છે જ્યાં આસપાસમાં હજારો એકર જમીનો ખેડી નાખવામાં આવી છે. જેમ એરંડો પ્રધાન હોય તેમ એરંડાના ચારેય તરફ દબાણવાળી જમીનોમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. શહેરના દુધઈ રોડ ઉપર એક સમયે જંગલ ખાતાની જમીન હતી ત્યાં હવે હોટેલ બની ગઈ છે. કસ્ટમ ચાર રસ્તા પાસે સરકારી ઓફિસો બનશે એટલે દબાણકારોને સરકારી નોટિસ મળી હતી. થોડા સમય પછી તો ખાનગી પાર્ટીએ નોટિસ આપતાં આશ્ચર્ય ફેલાયું હતું.આ બાબતે ભચાઉમાં જ રહેતા અને શહેર-તાલુકાના પ્રશ્નો અંગે હંમેશાં જાગૃત માંડવી વિભાગના ધારાસમ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને મળ્યા તો તેમણે કહ્યું કે, જે નડતરરૂપ દબાણ હતા તે તો તોડી દેવામાં આવ્યા છે. શહેરના વિકાસકામોની વિગતો આપીને તેમણે કહ્યું કે, નવા બસ સ્ટેશન પાસે એક અદ્યતન સર્કલ બનશે ત્યાંથી ગૌરવપથ રોડ નીકળશે. આ રોડનું નિર્માણ થતાં જ વચ્ચે જ્યાં દબાણ હશે તે તોડી પાડવામાં આવશે સાથે શોભા વધારવા વોકિંગ ઝોન પણ બનાવવામાં આવશે.શહેરમાં કુલ્લ મળીને 100 કરોડના વિકાસકામો કરવામાં આવ્યા છે અને આવનારા છે. આખા શહેરમાં સી.સી. કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. પીવાના પાણી માટે લોધેશ્વર ખાતે તળાવમાં ફિલ્ટર પ્લાન્ટ નાખી શહેરની વિતરણ થતી પાઈપ લાઈનમાં જોડવામાં આવશે. આ એક એવું નગર હશે જ્યાં નિયમિત પાણી વિતરીત કરવામાં આવે છે. એટલે ભચઉની વાત છે ત્યાં સુધી કોઈ ગંભીર સમસ્યાઓ નથી એવું શ્રી જાડેજાએ કહ્યું હતું. નગરપતિ પણ તેમના પુત્ર કુલદીપસિંહ છે અને તેઓ વિદેશ હોવાથી બાકીની પૂરક વિગતો પણ તેમણે આપી હતી.દબાણની ફરિયાદો ઊઠી છે એવામાં શહેરના નાગરિક અરજણભાઈ વાણિયાએ મુખ્ય અધિકારીને એક પત્ર લખી એ.ટી. મહેતા ટાવરની બાજુમાં કેટલાક લોકેએ ગેરકાયદે દીવાલ ઊભી કરી દબાણ કરી નાખ્યું છે એમ જણાવી જો કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer