ખાનગી જગ્યાએ બની ગયું એસ.ટી. મથક

ખાનગી જગ્યાએ બની ગયું એસ.ટી. મથક
ભચાઉ, તા. 1 : ભચાઉમાં સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન એસ.ટી. બસ સ્ટેશનનો સામે આવ્યો હતો. દોઢ દાયકા પહેલાં નિર્માણ પામેલું અદ્યતન બસ મથક ખરેખર કોઈ માલિકીની જમીન ઉપર બની ગયું હોવાનો વિવાદ ચાલે છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ભચાઉ એસ.ટી.માંથી કચ્છથી ઉપડતી બહારની તમામ બસો અને બહારના તમામ જિલ્લાઓમાંથી આવતાં રૂટ ભચાઉ બસ સ્ટેશને આવે છે તેથી એસ.ટી. પ્રવાસીઓ માટે મહત્ત્વના એવા બસ મથકને ભૂકંપે હચમચાવી દેતાં નષ્ટ પામ્યું હતું. થોડા સમય સુધી પતરાના શેડમાં એસ.ટી. બસ સ્ટેશનનો વહીવટ ચાલ્યા પછી સરકારે હાઈવેની લગોલગ જમીન ફાળવતાં એસ.ટી.નું માળખું સૌથી ઝડપી ભચાઉમાં નવું બન્યું હતું. અદ્યતન એસ.ટી. ડેપો બની ગયા પછી બહારથી શોભા પણ વધતી હતી. બસ સ્ટેશનની પાછળ વર્કશોપ પણ બનતું હોવાથી જિલ્લા મથક ભુજ હોવા છતાં ભુજમાં પણ એસ.ટી. બસ સ્ટેશન નથી એવું અત્યારે બસ મથક હોવાથી માળખાકીય સુવિધાઓ બની હતી, પરંતુ પાછળથી જમીનનો મોટો વિવાદ સામે આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે જે જગ્યાએ બસ સ્ટેશન બન્યું છે એ જમીન તો ખાનગી માલિકીની હોવાનું બહાર આવતાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે. અત્યારે પણ આ જમીન કોઈ માલિકના નામે  બોલતી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે એસ.ટી.ના ડેપો મેનેજર એસ.વી. ભાભોરનો સંપર્ક સાધતાં વિવાદ ચાલતો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પોતે હજુ હાલમાં જ આવ્યા છે, પરંતુ જે-તે સમયે કોઈએ જોયું નહીં તે સરકારી ટાવર્સ પૈકીની જમીન એસ.ટી.ને ફાળવવામાં આવી હતી અને જે પેટ્રોલપંપ બનાવ્યું છે ત્યાં માલિકી અંગે એન.ઓ.સી. મળતી નથી એટલે બની ગયેલા પેટ્રોલ પંપનો ઉપયોગ થઈ શકતો નથી. કારણ કે મામલતદાર, ના. કલેકટર પાસેથી વિગતો મગાવી તો જમીન માલિકીની હોવાનું જણાવવામાં આવે છે. એટલે તમામ બસોને નાછૂટકે જૂના બસ ડેપોએ ડીઝલ ભરાવવા જવું પડે છે. રોજના 29 શિડયુલ ઉપરાંત અમુક બહારના જિલ્લાની આવતી બસોને અહીંથી ડીઝલ ભરાવવાની છૂટછાટ હોવાથી તમામને ગામમાં ડીઝલ ભરાવવા જવું પડે છે એ વાત સાચી છે એમ તેમણે કહ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer