...તો મનોચિકિત્સકનો અભ્યાસક્રમ શરૂ થઈ શકે...

...તો મનોચિકિત્સકનો અભ્યાસક્રમ શરૂ થઈ શકે...
કિશોર ગોર દ્વારા-
ભુજ, તા. 1 : રાજ્યમાં સરકાર દ્વારા બધી જ મોટી હોસ્પિટલમાં ડિપ્લોમા ઈન મેડિસીનના જે તે વિષયના કોર્સ શરૂ કરાયા છે, ત્યારે કચ્છની એકમાત્ર ભુજ સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ખૂટતા બે મનોચિકિત્સકની જગ્યા ભરાય તો બે બેઠકવાળો ડિપ્લોમા ઈન સાઈક્રિયાટ્રિસ્ટ કોર્સ ચાલુ થઈ શકે. માનસિક આરોગ્યની હોસ્પિટલના અધીક્ષક ડો. મહેશભાઈ પી. ટીલવાણીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, એમબીબીએસ થયા પછી ડિપ્લોમા થતો હોવાથી હોસ્પિટલમાં બે મનોચિકિત્સક અને બે છાત્ર (ડોક્ટર) મળી વધુ ચાર તબીબ ઉપલબ્ધ થાય. ભુજની આ હોસ્પિટલમાં આખા કચ્છના મનોરોગી ઉપરાંત છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી મંદબુદ્ધિવાળા ઊતરી પડે છે તેના ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઓપીડીમાં મનોરોગી આવે છે. 16 પથારીની હોસ્પિટલમાં હાલે બાવન માનસિક દર્દીઓ દાખલ છે. તદઉપરાંત 45 દર્દીઓ પાલારા સ્થિત રામદેવ આશ્રમમાં છે. માનવ જ્યોતના પ્રબોધ મુનવર હોસ્પિટલની પરિસ્થિતિ સમજી સહયોગ આપે છે. ડો. ટીલવાણી પાલારા જોવા જાય છે. હોસ્પિટલમાં દાખલ 52માંથી 40 ગુજરાત બહારના છે. કચ્છમાં નલિયા સુધીના વિસ્તારમાં લોકો જણાવે તો રખડતા-મનોરોગીને લવાય છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરવાની સુવિધા ન હોવાથી ત્યાંના મનોચિકિત્સકો દર્દીઓને ભુજમાં દાખલ કરાવે છે. હાલે બનાસકાંઠાના બે દર્દી દાખલ છે.  ભુજની હોસ્પિટલમાં રોજિંદી 150 દર્દીની ઓપીડી હોવા છતાં ડો. ટીલવાણી એક જ મનોચિકિત્સક છે. દર્દીઓને કામગીરી કરવા લાયક બનાવી શકે, તે ઓક્યુપેશનલ થેરાપીસ્ટની જગ્યા 2005માં મંજૂર થઈ પણ ભરાઈ જ નથી. આરએમઓ વર્ગ-1ની જગ્યા 2010થી ખાલી છે. હાલે હોસ્પિટલમાં ડો. પાટણકર (એમબીબીએસ) અને સપ્તાહમાં સોમ તથા મંગળવારે જી. કે. જનરલ હોસ્પિટલના સરકારી એનસીડી સેલમાંથી મનોચિકિત્સક ડો. જશ અજમેરા આવે છે. ક્લિનિક સાયકોલોજીસ્ટ જુલાઈથી નિમાયા, 21 નર્સનો સ્ટાફ છે. કચ્છને અન્યાય થતો હોવાની લાગણીને પુષ્ટિ આપે તેવી એક બાબત એ છે કે, નડિયાદમાં 40થી 50ની ઓપીડી થાય છે,ઈન્ડોર છે જ નહીં છતાં બે મનોચિકિત્સક છે. એથીયે વિશેષ નારાજગી થાય તેવી બાબત એ છે કે નડિયાદથી ખેડા માત્ર 10 કિ.મી.ના અંતરે છે ત્યાં પણ ઈન્ડોર સુવિધા ન હોવા છતાં બે મનોચિકિત્સક કાર્યરત છે.  જ્યારે કચ્છમાં તેનાથી ત્રણ ગણી રોજિંદી ઓપીડી હોવા છતાં એકમાત્ર મનોચિકિત્સકથી ગાડું ગબડાવાય છે.

 
નવી હોસ્પિટલ માટે 7 કરોડ મંજૂર : વર્કઓર્ડર નથી અપાતો
ભુજના કેમ્પ વિસ્તારની સાંકડી ગલીવાળા વિસ્તારમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ આવેલી છે. નાની પડતી હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગે નવી હોસ્પિટલ બનાવવા ટીબી હોસ્પિટલની બાજુમાં રોડ ટચ 4800 ચો.ફૂટનો પ્લોટ ફાળવી ટેન્ડર બહાર પાડયા તે ચારેક મહિના પહેલાં ખુલ્લી ગયા છતાં વર્કઓર્ડર અપાતો નથી. નવી બનનારી હોસ્પિટલમાં 65 પથારી, અલગ અલગ વિભાગ, કોન્ફરન્સ હોલ, તાલીમ કેન્દ્ર સહિત બે માળનું બાંધકામ કરાશે તેવું ડો. એમ. પી. ટીલવાણીએ જણાવ્યું હતું. જિ. પં. સ્થિત પીઆઈયુના કા. પા. ઈજનેર અરવિંદસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું કે, 7 કરોડનું કામ છે. ચારેક મહિના અગાઉ ટેન્ડર ખુલ્લી ગયા છે. સૌથી ઓછા ભાવ 24 ટકા જેટલા નીચા ભર્યા છે. વર્કઓર્ડરની પ્રક્રિયા સરકારની વિચારણામાં છે. વર્કઓર્ડર અપાઈ જાય તો દોઢ-બે વર્ષમાં બાંધકામ પૂર્ણ થઈ જશે. 

 
સુધરાઈને ફરિયાદો છતાં ગંદકીની સફાઈ ન થતાં નોટિસ અપાશે
ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલની બહારના વિસ્તારમાં પ્લાસ્ટિકના ઝબલાં, આસપાસના ઘરોનો કચરો, એઠવાડ, મરેલા ગલુડિયા, સહિતની ગંદકીથી ત્રાસ થાય છે. રખડતા ગૌ વંશો ઉકરડાને ચૂંથતા હોવાથી દુર્ગંધ ફેલાય છે. માખીઓ બણબણે છે. મચ્છરો આસપાસના રહેણાંક અને હોસ્પિટલમાં બીમારી ફેલાવે છે.આ બાબતની ફરિયાદો ધ્યાને ન લેવાતાં નોટિસ અપાશે તેવું ડો. ટીલવાણીએ જણાવ્યું હતું.

 
દર્દીઓને બહારી ગંદકીથી થતી બીમારી
મનોરોગીઓ તરીકે દાખલ દર્દીઓ ઉપરાંત ઓપીડી અને સ્ટાફને હોસ્પિટલની બહારની બાજુ વ્યાપેલી વ્યાપક ગંદકીથી ત્રાસ ઉપરાંત મચ્છરજન્ય મેલેરિયા જેવી બીમારી લાગુ પડે છે. બે દર્દીને ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. 

 
10 પથારીવાળું વ્યસન મુક્તિ કેન્દ્ર બનશે
સરકાર દ્વારા વ્યસન મુક્તિના પ્રચાર પ્રસાર કરાય છે. નશાકારક વસ્તુઓ પર નુકસાનીનું ફરજિયાત લખાણ છપાવે છે. છતાં નશાની લતે ચઢેલી વ્યક્તિઓ છૂટી શકતી નથી.  વ્યસનમુક્તિ માટે ઓપીડીમાં નિદાન કરી દવા અપાય છે પણ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાય તો વ્યસન ન કરી શકે તેથી નિયમિત દવાથી જલ્દી વ્યસનથી છૂટી શકે તે હેતુથી નવી બનનારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં તેનો સમાવેશ કરાયો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer