ભુજ શહેરની ઐતિહાસિક ધરોહરની જાળવણીનો કોલ

ભુજ શહેરની ઐતિહાસિક ધરોહરની જાળવણીનો કોલ
ભુજ, તા. 1 : ઐતિહાસિક વારસો અને સંસ્કૃતિ સાચવી બેઠેલા ભુજ શહેરને વૈશ્વિક સ્તરે સ્થાન મળે તે માટે પ્રયત્નશીલ રહેવાનો કોલ શહેરના પ્રથમ નાગરિક એવા સુધરાઈ અધ્યક્ષા લતાબેન સોલંકીએ ભુજના સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં જણાવી ઉપસ્થિતોને શુભેચ્છા પાઠવી હતી. નગરપાલિકા દ્વારા ભુજના 472મા સ્થાપના દિન ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, ભુજ શહેરના ઐતિહાસિક ધરોહરની જાળવણી કરી આવનારી પેઢીને સોંપવા તત્પર હોવાનું કહ્યું હતું. ધારાસભ્ય નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, ભુજ સતત વિકસી રહ્યું છે ત્યારે તેને વધારે સુવિધાસભર બનાવવા મહાનગરપાલિકા અતિ આવશ્યક હોવાનું કહી સાંસદ સાથે મળી ઉચ્ચ કક્ષાએ યોગ્ય પ્રક્રિયા કરવા ખાતરી આપી હતી. ઈન્દ્રજિતસિંહ જાડેજાએ કહ્યું કે, રાજવી પરિવાર અને ભુજ નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉજવણીના ભાગરૂપે ખીલીપૂજન થાય ત્યારે એક પરિવાર હોવાની ભાવનાનો અહેસાસ થાય છે. રાજવી પરિવાર હંમેશાં પ્રજાના સુખે સુખી અને દુ:ખમાં સહભાગી થતા રહે છે. સુધરાઈના કારોબારી ચેરમેન ભરત રાણાએ વિવિધ ગ્રાન્ટની માહિતી આપી ભુજની સમસ્યા ઉકેલવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અવસરે સવારે ખીલીપૂજન રાજવી પરિવાર વતી ઈન્દ્રજિતસિંહ જાડેજા, તેરા જાગીર ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, દેવપર જાગીર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, કચ્છ ઈતિહાસ પરિષદ પ્રમુખ સાવજસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, મુખ્ય અધિકારી નીતિનભાઈ બોડાતના હસ્તે કરાયું હતું. પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોમપુરા, પ્રવીણસિંહ વાઢેર, અશોકભાઈ હાથી, નગરસેવકો ભૌમિકભાઈ વચ્છરાજાની, કાસમભાઈ કુંભાર (ધાલાભાઈ), ભુજ શહેર ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ઠક્કર, રમેશભાઈ મહેશ્વરી, રજનીકાંતભાઈ જોષી વિ. મંચસ્થ રહ્યા હતા. સ્થાપના દિન ઉજવણી અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ, વિવિધ વોર્ડના છ સ્વચ્છતાકર્મીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન હેતુ સન્માન કરવામાં આવ્યું હતું. કેકથી મીઠું મોઢું કરાવી શુભેચ્છા પાઠવાઈ હતી. સંચાલન શ્રી રાણાએ, આભારવિધિ શ્રી બોડાતે કરી હતી. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ભુજના પાંચ નાકા, છઠ્ઠી બારી અને ચારે રિલોકેશનથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આસોપાલવના તોરણ બંધાયા હતા. શહેરમાં સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓની તમામ પ્રતિમાઓને હારારોપણ કરાયું હતું. આ પ્રસંગે ભુજના દૃશ્યો દોરવાની સ્પર્ધા યોજાતાં તેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સૂત્રોચ્ચાર સાથે બાળકોની રેલી યોજાઈ હતી તેવું સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણીએ જણાવ્યું હતું. ભુજ નગરપાલિકા દ્વારા સુધરાઈની ઈમારત અને ગાંધીજીની પ્રતિમાને રોશની કરાઈ હતી. રંક પરિવારોને જાદુના નિ:શુલ્ક શો બતાવાયા હતા.શહેરના બાળકોને ભુજ દર્શન માજી નગરપતિ સ્વ. રસિકભાઇ ઠક્કર અને સ્વ. હસ્તાબેન રસિકભાઇ ઠક્કરની સ્મૃતિમાં તેમના પુત્ર અને માજી નગરસેવક ઘનશ્યામભાઇ ઠક્કર દ્વારા કરાવાયું હતું. ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને ભુજના સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કર (નકવાણી) વતી તેમના પુત્ર અને કો. બેન્કના ડાયરેક્ટર ધીરેનભાઇ ઠક્કર દ્વારા અપાયા હતા. સવારે  ખીલી પૂજન બાદ બાળકોએ  ખીલીદર્શન કરી પ્રસાદ લીધો હતો. ઉપરાંત ભુજિયા ડુંગર પર અંકિત હેપી બર્થડે ભુજની કેક કપાઇ હતી.સત્યમના  મધુકાંત ત્રિપાઠી, જટુભાઇ ડુડિયા, નીતા શાહ, વિનોદ ગોર, નર્મદાબેન ગામોટ, દિલીપભાઇ ઠક્કર, વિભાકર અંતાણી, કાર્તિક અંતાણી, શિવાંગ અંતાણી તેમજ અનિતા ઠાકુર, નરેન્દ્રભાઇ સ્વાદિયા, હિમાંશુ અંતાણી, હેમેન્દ્ર જણસારી, રીન્કુબેન જણસારી, આશાબેન સ્વાદિયા,ભૈરવી વૈદ્ય સહિતના અગ્રણીઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો. સ્વ. ગીતાબેન નરેન્દ્રભાઇ સ્વાદિયાની યાદમાં ગરીબ બાળકોને અલ્પાહાર કરાવાયો હતો. આ અવસરે વિવિધ સેવાકાર્યો પણ કરાયા હતા.

 
ભુજના સ્થાપના દિનને નડી ભાજપની જૂથબંધી, વિપક્ષને શું નડયું ?
નગરની સેવા માટે જેમને લોકોએ મત આપી ખભે બેસાડયા હતા તે જ નગરસેવકો જ્યારે શહેરના ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં ગેરહાજર રહે તે દુ:ખદ બાબત કહેવાય તેવી લાગણી આજે ભુજના 472મા સ્થાપના દિવસે ભુજવાસીઓમાં ફેલાઇ હતી. ભુજ અને ભુજવાસીઓ માટે આજનો દિન સુવર્ણ કહી શકાય  પરંતુ જેના શિરે શહેરના વિકાસની જવાબદારી છે તેવા 44 નગરસેવકોમાંથી માત્ર છ અને તેમાંથી પણ પ્રમુખ, કારોબારી ચેરમેન હોદ્દાની રૂએ હાજર રહ્યા હતા. વિપક્ષમાંથી એક પણ કાઉન્સિલર હાજર નહોતા રહ્યા.સત્તાપક્ષના નગરસેવકોને તો પક્ષની જૂથબંધી નડી શકે પરંતુ વિપક્ષને શું નડયું કે, ઉપરોકત પ્રસંગે એક પણ કાઉન્સિલર હાજર ન રહ્યા તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. શિસ્તબદ્ધ પક્ષમાં જેની એક સમયે ગણના થતી હતી તેવા ભાજપની જૂથબંધી વારંવાર છાપરે ચડી પોકારતી રહે છે. તાજેતરમાં શહેર પ્રમુખ સહિતના હોદ્દાની જાહેરાત મોકૂફ રાખવી પડી. તો, સુધરાઇની કારોબારી અને સામાન્ય સભા હંમેશાં ચર્ચાસ્પદ રહેતી આવી છે. એમ કહો કે, વિપક્ષને તો હવે કાંઇ જ કરવાની જરૂર રહેતી નથી અને તેથી જ વિરોધની કટારને કાટ લાગી ગયો છે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. આ અંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યને પત્રકારોએ જૂથબંધી અંગે પૂછતાં તેમણે પ્રમુખને પૂછવા જણાવ્યું હતું. જ્યારે સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું કે, લગ્નપ્રસંગ હોવાથી નગરસેવકો નથી પહોંચી શક્યા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer