`ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીયે કોટિ ઉપાય'

`ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીયે કોટિ ઉપાય'
ભુજ, તા. 1 : નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા મહંત પૂ. ધર્મનંદનદાસજી સ્વામી, વરિષ્ઠ પાર્ષદ જાદવજી ભગત, વડીલ સંત પ્રેમપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ઊજવાઈ રહેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં બીજા દિવસે પ્રથમ સત્રના જ્ઞાન યજ્ઞમાં વક્તા શાત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીએ જણાવ્યું કે, વચનામૃતમાં વૈરાગ્યની વાત વારંવાર કહેવાઈ છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ વૈરાગ્યની સરળ અને વહેવારુ શૈલીમાં સમજ આપી ઉમેર્યું કે, ત્યાગ એટલે છોડવું અને વૈરાગ્ય એટલે કંઈપણ છોડયા વિના તેમાં બંધાવું નહીં. ભગવાનને પામવા હોય તો વૈરાગ્ય નામનો ભોમિયો સાથે રાખવો પડે છે.રાજા જનકના દૃષ્ટાંત દ્વારા વૈરાગ્યની વાત ખૂબ જ સરળતાથી વક્તાએ સમજાવી હતી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીયે કોટિ ઉપાય સ્વામી નિષ્કુલાનંદના આ ભજન દ્વારા અને વૈરાગ્યની વાત સમજાવાઈ હતી. વચનામૃત મહોત્સવમાં સેવા આપનારા હરિભક્તોને આ મહોત્સવનું સ્મરણ ચિરંજીવી રહે તે માટે તેમને ચાંદીના સિક્કા ભેટસ્વરૂપે આપવાના છે તેના વિમોચન સાથે શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના બે ભાગનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ભુજ મંદિરના ટ્રસ્ટી ધર્મચરણદાસજીસ્વામીએ વૃક્ષારોપણ કરવાની અને પ્લાસ્ટિકના ઝબલાનો ત્યાગ કરવાની અપીલ કરી હતી.કોઠારી સ્વામી દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું કે, 1965માં જ્યારે યુદ્ધ થયું ત્યારે ભેડિયાબેટ ખાતે સૈનિકોને ભોજન ભુજ મંદિર દ્વારા પહોંચાડવામાં આવતું હતું. ભેડિયાબેટ હનુમાન મંદિરનું લોકાર્પણ 10 ડિસેમ્બરના મહંત સ્વામી અને મહારાજશ્રીના હસ્તે કરવામાં આવશે.આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા આવેલા સાંસદ વિનોદ ચાવડાએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે, સમાજલક્ષી કોઈપણ કાર્ય હોય તેમાં ભુજ મંદિર અને સંતોનો સાથસહકાર મળતો જ રહે છે, એ પર્યાવરણની વાત હોય કે સ્વચ્છતાની આવા કાર્યોમાં મંદિર હંમેશાં અગ્રેસર હોય છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ જોધાણી અને જીતુભાઈ માધાપરિયા અને કબીર મંદિરના મહંત કિશોરદાસજીનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.  બીજા સત્રમાં વ્યાસપીઠ પરથી શાત્રી સ્વામી  રંગદાસજીએ વચનામૃત જ્ઞાન સાગરમાં વાસના શું છે અને વાસના ટાળવાનો ઉપાય શું છે તેની વિવિધ દૃષ્ટાંતો સાથે છણાવટ કરી હતી. જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય એને પંચવિષય માટે સમબુદ્ધિ થઈ જાય છે તેમ જણાવ્યું હતું. ગોપાલાનંદ સ્વામીએ સંસ્કૃતમાં લખેલી શ્રીમદ્દ ભગવદ્ ગીતાની ભુજ સ્વામિનારાયણ મંદિરે પ્રકાશિત કરેલી ગુજરાતી આવૃત્તિનું સંતોના હાથે વિમોચન કરાયું હતું. બીજા સત્રના અંતે શાત્રી દેવકૃષ્ણદાસજીએ ભગવાનના માહાત્મ્ય વિશે અને સત્સંગ વિશે હરિભક્તોને સમજ આપી હતી. મહારક્તદાન શિબિરનું આયોજન કરીને ધર્માર્થની સાથે પરમાર્થને પણ વણી લેવામાં આવ્યો હતો. દીપ પ્રાગટય પુરાણી સ્વામી હરિદાસજી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી આદિ સંતોના હસ્તે કરાયું હતું. એચડીએફસી બેન્ક અને જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડબેન્કના યુનિટ હેડ ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ડો. ખુશકુમાર ડાભી, ડો. પલક લાખાણી, કાઉન્સેલર દર્શનભાઈ રાવલ સહિતની ટીમે ડો. જગદીશભાઈ હાલાઈના સંચાલન હેઠળ સ્વયંસેવકો સાથે સેવા આપી હતી. મોડી સાંજ સુધી સંતો, સાંખ્યયોગી બહેનો અને હરિભક્તો સહિત 842 લોકોએ રક્તદાન કર્યું હતું. કોઠારી  દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા, ટ્રસ્ટી જાદવજી ગોરસિયા અને સંતોની ટીમ, કાર્યકર્તાઓ કાર્યને સફળ બનાવી રહ્યા છે. દેવચરણસ્વામીએ જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બરના રાત્રે 8.30 કલાકે ભુજ મંદિર સંચાલિત ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 3 ડિસેમ્બરના રાત્રે 8.30 કલાકે સંતો દ્વારા ભજનનું આયોજન કરાયું છે. 4 ડિસેમ્બરના સવારે 9 કલાકે લાલજી મહારાજનું આગમન થશે. તેમના હસ્તે સ્વામિનારાયણ ઔષધાલયનું ઉદ્દઘાટન કરાશે. 25 હજાર ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer