શણગાર સજીને અણગાર બનવા ઉત્સુક મુમુક્ષુ ચારુલબેનનું હર્ષોલ્લાસથી વરસીદાન

શણગાર સજીને અણગાર બનવા ઉત્સુક મુમુક્ષુ ચારુલબેનનું હર્ષોલ્લાસથી વરસીદાન
નખત્રાણા, તા. 1 : તાલુકાના મોટા યક્ષ સમીપે પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ તીર્થ મધ્યે માકપટ જૈન ગુર્જર સમાજની દીકરી મૂળ વિથોણ હાલે વર્ધમાનનગર-માધાપરના મુમુક્ષુ ચારુલબેન પ્રદીપભાઇ શાહના ચાલતા દીક્ષા મહોત્સવના ત્રીજા દિવસે તેમનો વરસીદાનનો વરઘોડો વાજતે-ગાજતે બેન્ડ સૂરાવલિના સંગાથે દીક્ષાર્થીનો જય જય હો, સંયમ ધર્મના જયઘોષ સાથે નીકળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન પરિવારો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામથી ઠેઠ મોટા યક્ષ ગામ સુધી નીકળેલા આ વિશાળ વરઘોડામાં પરમયશ વિજયજી મ.સા. આદિ સાધુ તથા કમલપ્રભાશ્રીજી મ.સા. તેમજ શ્રી હેમલતાશ્રીજી મ.સા. આદિ ઠાણા, માકપટ સમાજના ગામે ગામના ભાવિકો જોડાયા હતા. શણગાર સજીને અણગાર બનવા ઉત્સુક ચારુલબેને હર્ષોલ્લાસથી વરસીદાન કર્યું હતું. પ્રભુ મહાવીરના પંથે ચાલવા નીકળેલી સંયમના અભિલાષી બેનનો  સંસારને અલવિદા-પરિવારને અલવિદા કરતો વિદાય સમારોહ, સંવેદના વ્યક્ત કરતો સમારંભ યોજાયો હતો. આ ભવ્ય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે સવારે 9.40 વાગ્યે કુ. ચારુલબેન સંસારના સમગ્ર ભૌતિક વિલાસો, રંગરાગ છોડી ચતુર્વિધ સંઘ સમક્ષ પરમયશ વિજયજી મ.સા.ના હસ્તે રજોહરણ ગ્રહણ કરી સાધ્વી હેમલતાશ્રીજી મ.સા.ના સમુદાયની જૈન સાધ્વી બનશે. આજના ઇન્ટરનેટના યુગ-ડિઝિટલ યુગમાં ફેશન-વ્યસનના યુગમાં ભૌતિક સુખો, સાધનોને લાત મારી સાધુજીવન અંગીકાર કરવું ઘણું જ કપરું-કઠિન છે ત્યારે આવા યુગમાં પ્રલોભનોનો ત્યાગ કરી, પ્રવજ્યાના પંથે જનાર દીક્ષાર્થી બહેનને કોટિ કોટિ વંદન સાથે તેમના માતા-પિતાને અભિનંદન આપવા સન્માન સમારંભ પણ યોજાયો હતો. દીક્ષાના સમગ્ર કાર્યક્રમનું આયોજન દીક્ષાર્થી પરિવારના શાહ અભેચંદભાઇ હરજીભાઇ (વિથોણ) તરફથી કરવામાં આવ્યું હતું. આ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ પ્રસંગમાં સહયોગી બનનારા ટ્રસ્ટના પ્રમુખ વીરસેનભાઇ શાહ, કમલેશભાઇ સંઘવી, જિજ્ઞેશભાઇ શાહ, ભરતભાઇ શાહ, વિનોદ શેઠ, ભરતભાઇ શેઠ, જયેન્દ્રભાઇ શાહ, સુરેશભાઇ શેઠ, હેમાંગ શાહ, સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા તેવું સંસ્થાના મીડિયા કન્વીનર કેતન શાહ, હેમાંગ મહેતાએ જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer