ગાંધીધામના ટાગોર રોડને બેનમુન બનાવાશે

ગાંધીધામના ટાગોર રોડને બેનમુન બનાવાશે
ગાંધીધામ, તા. 1 : આદિપુર ગાંધીધામને જોડતા માર્ગ મકાન વિભાગ હસ્તકના છ માર્ગીય એવા ટાગોર રોડને બેનમુન બનાવવાની નેમ માર્ગના  મજુબુતીકરણના કામના ખાતમુહુર્ત વેળાએ વ્યકત કરી હતી. આ દરમ્યાન રોડની બાજુમાં પુન: ખડકાઈ  ગયેલા દબાણોનો મામલો પણ ચર્ચાયો હતો.આ વેળાએ ગાંધીધામથી આદિપુર સુધીના બાકી સર્વીસ રોડ અંગે પણ દરખાસ્ત કરાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ  રૂ.9.50 કરોડના ખર્ચે ગાંધીધામથી આદિપુર સુધીના ટાગોરના નવનીકરણના કામનો આરંભ કરાવતા કહ્યું હતું કે  સમગ્ર કચ્છમાં ગાંધીધામના ટોગોર રોડની ચર્ચા થાય તેવો નમુનેદાર બનાવાશે. તેમણે જણાવ્યું હતું કે  ગાંધીધામના અન્ય આંતરિક અને મુખ્ય રસ્તાઓના નવીનીકરણની દિશામાં કાર્ય આદરરાશે તેમજ અમુક જનભાગીદારીથી બનનારા રસ્તામાં ચેમ્બર સહીતની સંસ્થાઓ સહયોગી બનશે તેવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈફકોનો સર્વીસ રોડ ખુલ્લો થઈ ગયા બાદ બાકીના સર્વીસ રોડ માટે રૂ. 27 કરોડની દરખાસ્ત સરકારમાં મુકવામાં આવી છે. તેમણે ટાગોર રોડ ઉપર પુન: ખડકાઈ ગયેલા દબાણોની બાબતને સ્વીકારી  આ બાબતનું કાયમી નિવારણ લાવવા પ્રયાસ કરાશે તેવું કહ્યું હતું.ધારાસભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળમાં ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં 75 કરોડના રસ્તાના કામો મંજુર કરાવ્યા હોવાની માહિતી તેમણે આપી હતી. સુધરાઈ પ્રમુખ કાનજી ભર્યાએ જણાવ્યું હતું કે ટાગોરો રોડના સૌંદર્યકરણ માટે સુધરાઈ  તૈયાર છે.પરંતુ ડીવાઈડર ઉપર વૃક્ષારોપણ માટે રોડને વિસ્તારી ડીવાઈડર પહોળા બનાવાય તે જરૂરી છે. તેમજ લાઈટના કેબલ હોવાના કારણે ફોલ્ટ થાય ત્યારે  સમારકામમાં ખોદકામ કરવું પડતું હોવાથી  ડીવાઈડર ઉપર વૃક્ષારોપણ શકય ન હોવાનું જણાવી જો માર્ગ મકાન રોડની સાઈડમાં જગ્યા નક્કી કરી આપે તો પાલિકા વૃક્ષોનું વાવેતર કરશે તેવું જણાવ્યું હતું. અંજારના પ્રાંત અધિકારીએ પ્રાસંગીક વકતવ્યમાં તાજેતરમાં  ટોગોર રોડ ઉપર કરાયેલી દબાણ હટાવ ઝુંબેશનો ઉલ્લેખ કરી અત્યારે કોઈ ઝુંબેશ થઈ હોય તેવું લાગતું નથી. આમા થોડે ઘણે અંશે વહીવટી તંત્ર અને લોકો બન્ને જવાબદાર છે. ત્યારે લોકો નાગરિક ધર્મ સમજી દબાણ પુન: ન થાય તે દિશામાં સહયોગ   આપે તેવો મતો વ્યકત કર્યો હતો. આ માર્ગ બન્યા બાદ ફરી ઝુંબેશ કરી બેનમુન બનાવવા અનુરોધ કર્યો હતો. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયા,એ પ્રાસંગીક વકતવ્ય આપ્યા હતાં. આ વેળાએ જીડીએના પુર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, નગરપાલિકાનાપુર્વ પ્રમુખ ગીતાબેન ગણાત્રા,શહેર ભાજપ મહામંત્રી તારાચંદ ચંદનાની, તાલુકા ભાજપ પ્રમુખ બાબુ ગુજરીયા, ચેમ્બરના પુર્વ પ્રમુખ બાબુભાઈ હુંબલ વિગેરે હાજર રહ્યા હતાં. સંચાલન શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જાડેજાએ અને આભારવિધિ શાસકપક્ષના નેતા ચંદન જૈને કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer