માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા ચોથો કન્યા વણજ યજ્ઞ યોજાશે

માંડવી તાલુકા મહેશ્વરી સમાજ દ્વારા ચોથો કન્યા વણજ યજ્ઞ યોજાશે
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 1 : માંડવી તાલુકા મહેશ્વરી (મેઘવાળ) દ્વારા સતત ચોથા વર્ષે સમૂહલગ્ન કન્યા વણજ યજ્ઞ તા. 25/2/2020ના યોજાશે. સમૂહલગ્નના આયોજન માટે પ્રમુખ વાલજીભાઇ બગડાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં માંડવી તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાં વિભાગવાર અલગ અલગ જવાબદારીઓ સોંપાઇ હતી. માંડવી તાલુકા મહેશ્વરી સમાજની નવી કારોબારી અને હોદ્દેદારોની નિમણૂક બાદ મળેલી બેઠકમાં  પ્રમુખ વાલજીભાઇએ આગામી સમયમાં  સામાજિક ઉત્કર્ષ માટેના વિવિધ આયોજનોની માહિતી આપી સૌથી  વધુ અગ્રતા શિક્ષણને આપવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે મહામંત્રી સામરાભાઇ ફુફલે આવકાર આપી મિટિંગના એજન્ડાનું વાંચન કરી કન્યા વણજ યજ્ઞનું સ્થળ ખારીવારા ગણેશદેવ મંદિર, દુર્ગાપુર (નવાવાસ) તા. માંડવીની જાહેરાત કરી હતી. ઉપપ્રમુખ નારાણભાઇ વિંઝોડાએ આયોજન બાબતે માર્ગદર્શન આપતા યુવા કાર્યકરોની વિવિધ સમિતિઓ બનાવવા દરખાસ્ત કરી હતી. રસોડાની વિવિધ જવાબદારીઓ માટે સ્થાનિક અગ્રણીઓના નેજા હેઠળ જવાબદારીઓ સોંપવા માટે માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ દીપકભાઇ ફુફલ દ્વારા રજૂઆત કરાઇ હતી. ચતુર્થ સમૂહલગ્ન માટે નામની નોંધણી માટે વિભાગવાર આગેવાનો નક્કી કરવામાં આવ્યા હતા. કન્યા વણજ યજ્ઞમાં કોઇપણ વિસ્તારમાંથી મહેશ્વરી સમાજના વર-કન્યા સહભાગી બની શકશે. આ માટે તા. 15/1 સુધીમાં નામ નોંધવામાં આવશે. કન્યાઓને દાતાઓના સહકારથી કન્યાદાન આપવામાં આવશે. સમાજના અગ્રણી કેશવજીભાઇ કન્નડ, મેઘજીભાઇ કેનિયા, શિવજીભાઇ સિંગરખિયા, આતુભાઇ કન્નડ, વસંતભાઇ લાંભા, વેલજીભાઇ નિંઝણ,  હરશીભાઇ ચંઢારિયાએ ચર્ચામાં ભાગ લીધો હતો. હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer