પ્રથમ પ્રસૂતિમાં પાંચ હજારની સહાય મળવાપાત્ર

પ્રથમ પ્રસૂતિમાં પાંચ હજારની સહાય મળવાપાત્ર
મુંદરા, તા. 1 : મુંદરા તાલુકામાં અત્યાર સુધી ત્રણ તબક્કામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનાં 3622 ફોર્મ ભરાયા છે. જ્યારે માંડવીમાંયે સપ્તાહ ઉજવણી દરમ્યાન સગર્ભાઓએ લાભ લેવા અનુરોધ કરાયો છે. 2જી ડિસેમ્બરથી `સુપોષિત જનની વિકસિત ધરી'ની થીમ પર સરકાર દ્વારા સાપ્તાહિક ઉજવણી કરાશે. આ યોજના હેઠળ પ્રથમ સુવાવડમાં પાંચ હજારની આર્થિક સહાય મળવાપાત્ર છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને 2013ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે 1લી જાન્યુઆરી 2017થી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરૂ કરી છે. સંકલિત બાળ વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને પ્રથમ જીવિત બાળ જન્મ સમયે 5000ની સહાય તેમના બેંક ખાતા મારફતે ત્રણ હપ્તામાં ચૂકવાય છે. જે અંતર્ગત ગર્ભાવસ્થાની વહેલી નોંધણી (150 દિવસમાં) સમયે પ્રથમ હપ્તે 1000, ઓછામાં ઓછા એક પૂર્વ પ્રસૂતિ તપાસ (ગર્ભાવસ્થાના છ માસ પછી મળવાપાત્ર) સમયે બીજે હપ્તે 2000 અને બાળકના જન્મની નોંધણી કરાવી, પ્રથમ તબક્કાની રસીઓ નવજાત શિશુને આપવામાં આવી હોય (14 અઠવાડિયા સુધીની રસી) તે સમયે ત્રીજે હપ્તે 2000ની સહાય અપાય છે. આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની વધુ માહિતી અને યોજનાકીય લાભ માટે ફોર્મ ભરી શકશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer