ગાંધીધામના કાસેઝમાં ચોરી અને હુમલા પ્રકરણમાં આરોપી પાસામાં જેલ હવાલે

ગાંધીધામના કાસેઝમાં ચોરી અને હુમલા પ્રકરણમાં આરોપી પાસામાં જેલ હવાલે
ગાંધીધામ, તા. 1 : શહેરના કાસેઝમાં ચોરી તથા મારામારીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોની એલસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી હતી. આ બંનેને જેલ હવાલે કરાયા હતા. પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં મિલકત, શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવા ઉપરી રાહેથી જરૂરી સૂચના એલસીબીને આપવામાં આવી હતી. જે અંગે કાસેઝમાંથી ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કિડાણાના અકરમ ઇસ્માઇલ ચાવડા અને ગની ઇસ્માઇલ ચાવડાના પાસા અંગેના કાગળિયા તૈયાર કરવામાં આવ્યા હતા.પાસાની આ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે આ દરખાસ્તને લીલીઝંડી આપતા એલસીબીએ કમર કસી હતી. ઝોનમાં ચોરી અને ચોરી કરતા અટકાવવા બદલ સુરક્ષા કર્મીઓ ઉપર હુમલાના તહોમતદાર એવા બંને અકરમ તથા ગની ચાવડાની એલસીબીએ ધરપકડ કરી હતી, જેમાં અકરમને સેન્ટ્રલ જેલ વડોદરા તથા ગની ચાવડાને સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. એલસીબીના અધિકારીઓ તથા સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer