કુકમાથી કોટડા (ચ.) માર્ગની હાલત ખરાબ : ઝાડીમાં ઘેરાયા સાઈન બોર્ડ

કુકમાથી કોટડા (ચ.) માર્ગની હાલત ખરાબ : ઝાડીમાં ઘેરાયા સાઈન બોર્ડ
કોટડા (ચકાર), (તા. ભુજ), તા. 1 : તાલુકાના કુકમાથી કોટડા (ચ.) જતા માર્ગ પરના સાઈન બોર્ડ, બાવળની ઝાડીઓમાં ઘેરાઈ ગયા છે. વરસાદ પડવાથી ઝાડીઓ ઊગી નીકળી છે. ત્યારે બીજીબાજુ આ માર્ગ પરના માઈલ સ્ટોન પર ભાગ્યે જ જોવા મળે છે, તો અનેક માઈલસ્ટોન ઉખડી ગયા છે. જેના કારણે પ્રવાસીઓ, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભુજ, અંજાર, મુંદરા એમ ત્રણ તાલુકાના 50થી પણ વધુ ગામડાઓના લોકોને ભુજ શહેરથી જોડતો એ મુખ્ય માર્ગ કિ.મી.ની દૃષ્ટિએ ફાયદાકારી હોવાથી અનેક ગામડાના લોકો આ રસ્તો પસંદ કરતા હોય છે. ઉપરાંત આ પંથકમાં ધાર્મિક સ્થળો ચકારમાં ભેડ માતાજીનું મંદિર, થરાવડામાં લાલશાપીરની દરગાહ શરીફ હોવાથી આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરે છે. 24 કલાક ધમધમતો આ માર્ગ આ પંથકનો મુખ્ય માર્ગ છે. સાઈન બોર્ડ ન હોવાથી પ્રવાસીઓને કડવા અનુભવ થતા હોય છે. જેમ કે હાજાપર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અલ્હાબાદથી આવતું કુટુંબ ચકાર ગામે ચાલ્યું ગયું તો એક મુસ્લિમ પરિવાર લાલશાપીરની થરાવડા ગામે આવેલી દરગાહે સલામ ભરવા આવતો હતા તે ભૂલથી મોટા બંદરા ચાલ્યો ગયો... આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજી બાજુ માર્ગની હાલત ખખડધજ થઈ ગઈ છે. વરસાદ પડવાથી માર્ગ પર અનેક જગ્યાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. માર્ગ દિવસે દિવસે ખરાબ થઈ રહ્યો છે. માર્ગની બંને સાઈડ બેસી ગઈ છે. આ માર્ગ પર નાખેલી કાંકરી ઉખડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે. કાંકરીના કારણે રાત્રિના દ્વિચક્રીચાલકો અકસ્માતનો ભોગ બને છે. તંત્ર તેમજ આ પંથકના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સમસ્યાઓનું વહેલી તકે નિવારણ કરે તેવી લોકોની ઉગ્ર માંગ છે. (તસવીર અને અહેવાલ રફીક ચાકી)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer