ગઢશીશાને પ્લાસ્ટિકમુક્ત કરવા હાકલ

ગઢશીશા (તા. માંડવી), તા. 1 : કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત બનાવવા કટિબદ્ધ છે. ત્યારે માંડવી તાલુકાના ગઢશીશા ગામને પણ સ્વચ્છતા જળવાય અને ગામ પ્લાસ્ટિકમુકત બને તેવા હેતુથી ગામના જ મુંબઇ સ્થિત દાતા દ્વારા ગામની પર્યાવરણ સમિતિના સહયોગે 2500 જેટલી કાપડની થેલીનું ઘરોઘર વિતરણ કરાયું હતું. ગઢશીશામાં પણ સ્વચ્છતા જળવાય અને લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરે તે માટે ગામના જ મુંબઇ સ્થિત જૈન અગ્રણી લક્ષ્મીચંદભાઇ દેવજી દેઢિયા (શાહ) દ્વારા ગામની પર્યાવરણ સમિતિને સાથે રાખીને ગામના દરેક ઘરોમાં કાપડની થેલી પહોંચે અને લોકો બજારમાં ખરીદી માટે નીકળે ત્યારે આ થેલી (કાપડની થેલી) ઉપયોગ કરવા આગ્રહ રાખે તેવા હેતુસર કોઇપણ જાતના નાત-જાતના ભેદભાવ વિના અંદાજિત 2500 જેટલી થેલીનું સામાજિક ધોરણે વિતરણ કરાયું છે અને તેનું વિતરણ ગામની જૈન મહાજનવાડી ખાતે કરાયું જેમાં દરેક સમાજના પ્રતિનિધિઓને બોલાવી પ્રતીક વિતરણ કરી ઘરોઘર પહોંચે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ પ્રસંગે થેલી વિતરણ કરતા દાતા પરિવારના લક્ષ્મીચંદભાઇ દેવજી દેઢિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં લોકોને ગઢશીશા ગામને સ્વચ્છ રાખવા અનુરોધ કરવા સાથે પ્લાસ્ટિક મુકત કરવા ભાર મૂક્યો હતો. તો બાળકોને પણ જંક ફૂડ ન આપવા સાથે સાત્વિક-પૌષ્ટિક ખોરાક ખવડાવવા સૂચન કરવા સાથે ગામના અન્ય પ્રકલ્પ માટે આર્થિક યોગદાન આપવા ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહિલા મોરચાના રેખાબેન દવે, પૂર્વ સરપંચ મોહનભાઇ પરવાડિયા, વેપારી મંડળના પ્રમુખ કાંતિભાઇ રંગાણી, સુરેશભાઇ ચોથાણી, સરપંચ ભાઇલાલભાઇ વિગેરે દ્વારા પ્રાસંગિક પ્રવચન અપાયા હતા. તો વેપારી મંડળ તથા ગ્રામ પંચાયત ગઢશીશા ગામને પ્લાસ્ટિકમુકત બનાવવા સાથે સફાઇ અંગે જાગૃતિ લાવે તે જરૂરી બન્યું છે. આ પ્રસંગે લીલાધર ગડા (અધા), પ્રવીણભાઈ દેઢિયા, વેપારી મંડળના પ્રફુલ્લ ગણાત્રા, ચેતન કોટક, ઉમિયાનગર પાટીદાર સમાજ યુવક મંડળના યુવાનો, પ્રમુખ વિનોદ રંગાણી, દિનેશ રંગાણી, મણિલાલ ધોળુ, દિલીપ જોશી, કાસમ રાયમા, હરીભાઇ આંઠુ, હિતેશ ઉકાણી સહયોગી રહ્યા હતા. ગઢશીશા પર્યાવરણ સમિતિના ગોવિંદભાઇ લીંબાણી, હરેશભાઇ રંગાણી, મહેન્દ્રભાઇ સેંઘાણી, મણિલાલ સેંઘાણી, હરેશભાઇ સેંઘાણી, શાંતિલાલ સેંઘાણી, હરેશભાઇ?વી. રંગાણી, પ્રેમચંદભાઇ સેંઘાણી, રાજુભાઇ રંગાણી વિગેરે છેલ્લા ત્રણ-ચાર માસથી આ તમામ પ્રકલ્પ માટે સક્રિય બન્યા છે અને આગામી દિવસોમાં ગામમાં તથા વિસ્તારમાં પર્યાવરણ માટે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.