સાંઘીપુરમ ખાતે ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરતી ટોળીનો કારસો ઝડપાયો

ભુજ, તા. 1 : અબડાસામાં સાંઘીપુરમ ખાતે કાર્યરત સિમેન્ટ એકમને સંલગ્ન માલ પરિવહનમાં ચાલતી ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરવાના એક વ્યવસ્થિત ઢબના કારસાનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં બે જણની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. જયારે સૂત્રધાર સહિત કુલ્લ 11 જણ સામે ફોજદારી ગુનો દાખલ કરાયો છે. બહાર આવેલી વિગતો અનુસાર આ પ્રકરણમાં ધ્રાગાવાંઢના મિંયા વસાયા સધર જત અને ભુટાઉના દીનમામદ સરીયાલ જતને યુટીલીટી વાહનમાં ડીઝલ ભરેલા પીપડા લઇને પકડાયા હતા. પહેલા આ જથ્થો શંકાસ્પદ માલ તરીકે કબજે લીધા બાદ પૂછતાછમાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આરોપીઓ દ્વારા સાંઘી સિમેન્ટ એકમ ખાતે ચાલતી જુદીજુદી આઠ  ટ્રકમાંથી ડીઝલની તસ્કરી કર્યાનું પણ ધરપકડ કરાયેલા મિંયા વસાયા અને દીનમામદની પૂછતાછમાં સપાટીએ આવ્યું છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલે સાંઘીપુરમ ખાતે રહેતા કંપનીના સુનિલકુમાર રમેશચન્દ્ર રાધાક્રિશ્ન પુંખીયાએ વીધિવત પોલીસ ફરિયાદ લખાવી હતી. જેમાં આરોપી તરીકે ઝાડવાના વેલા રામા રબારી, ત્રંબૌના વિક્રમાસિંહ જાડેજા, મોટી બેરના ઓસમાણ જત, બરંદાના દેશર પઢિયાર, ઝાડવાના વેલા રબારી, વિજય ઉર્ફે વેજલો રબારી, હોથીયાયના કાસમ જત, ઝાડવાના કાયા રબારી, મમુ રબારી ઉપરાંત મિંયા વસાયા અને દીનમામદ જતને બતાવાયા છે. કેસનો સૂત્રધાર ઝાડવાનો મમુ રબારી આ સમગ્ર ચોરી કેસનો સૂત્રધાર છે. આ શખ્સ અન્ય આરોપીઓની મદદથી ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer