યાસિરની સદી, છતાં પાક. પર તોળાતી હાર

એડિલેડ, તા. 1 : આઠમા ક્રમના પૂંછડિયા બેટસમેન યાસિર શાહની સંઘર્ષપૂર્ણ સદી (113) છતાં પાકિસ્તાન સામે અહીં એડિલેડ ઓવેલમાં રમાઇ રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ઇનિંગ્સની હાર તોળાઇ રહી છે. આજે બીજી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસની રમતના અંતે ફોલોઓન થયા પછી પાકિસ્તાને તેના બીજા દાવનો ફરી નબળો પ્રારંભ કર્યો હતો. તેણે 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આથી પાકિસ્તાન હજુ ઓસ્ટ્રેલિયાથી 248 રને પાછળ છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં વોર્નરની ત્રેવડી સદીથી 3 વિકેટે પ89 રન થયા હતા. આ પહેલાં પાકિસ્તાનનો આજે તેનો પહેલા દાવ આઠમા ક્રમના બેટધર યાસિર શાહની પહેલી સદીની મદદથી 302 રને પૂરો કર્યો હતો. આ સિવાય ઇનફોર્મ મિડલઓર્ડર બેટસમેન બાબર આઝમે 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બાબર-યાસિર વચ્ચે સાતમી વિકેટમાં 10પ રનની ભાગીદારીથી પાક.ને કંઇક અંશે રાહત મળી હતી. આ પછી યાસિર અને મોહમ્મદ અબ્બાસ (29) વચ્ચે નવમી વિકેટમાં 87 રનની ભાગીદારી થઇ હતી. આમ છતાં પાક. ટીમનો વાવટો 302 રને વીંટાઇ ગયો હતો. આથી ઓસ્ટ્રેલિયાએ તેને ફોલોઓનની ફરજ પાડી હતી. ઓસિ. તરફથી મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. બાબર આઝમે 132 દડમાં 11 ચોગ્ગાથી 97 અને યાસિર શાહે 213 દડામાં 13 ચોગ્ગાથી 113 રન કર્યા હતા. ફોલોઓન બાદ પાકિસ્તાને ઇમામ ઉલ હક (0), સુકાની અઝહર અલી (9) અને બાબર આઝમ (8)ની વિકેટ ગુમાવીને 3 વિકેટે 39 રન કર્યા હતા. હેઝલવૂડે 2 વિકેટ લીધી હતી. ગુલાબી દડાથી રમતાં બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત માનવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer