ગાંગુલીનો કાર્યકાળ 2024 સુધી લંબાશે ?

મુંબઇ, તા. 1 : ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના નેતૃત્વ તળે બીસીસીઆઇએ આજે તેમના પદાધિકારીઓના કાર્યકાળની સીમા વધારવાની સ્વીકૃતિ આપી દીધી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની આજે અહીં આયોજિત 88મી સાધારણ સભા (એજીએમ)માં આ નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. આથી બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 9 મહિનાથી વધીને પાંચ વર્ષ સુધીનો થઇ શકે છે. જો કે, આ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. બીસીસીઆઇની આજની બેઠકમાં લોઢા કમિટીના સમયસીમાના ફેંસલામાં ઢીલાશ દેવાનો નિર્ણય લેવાયો હતો. સૌરવ ગાંગુલી અધ્યક્ષ બાદ બીસીસીઆઇની પહેલીવાર એજીએમ યોજાઇ હતી. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ પ્રસ્તાવિક સંશોધનનો મંજૂરી આપી દેવામાં આવી છે. જે તમામને મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં મોકલાશે. જો સુપ્રીમની મંજૂરી મળી જશે તો સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 2024 સુધી બીસીસીઆઇના ચીફ તરીકે રહેશે. બીસીસીઆઇના હાલના બંધારણ અનુસાર કોઇ પદાધિકારી રાજ્ય સંઘ કે બોર્ડના મળી ત્રણ વર્ષના કાર્યકાળ પૂરા કરી લીધા હોય તો તેને ત્રણ વર્ષ માટે અનિવાર્ય બ્રેક લેવાનો રહે છે. ગાંગુલી બંગાળ ક્રિકેટ એસો.નો સવા બે વર્ષથી અધ્યક્ષ છે. આ પછી તેણે 23 ઓકટોબરે બીસીસીઆઇના અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો છે. આથી હાલના નિયમ અનુસાર તે વધુ 9 મહિના પદ પર રહી શકે છે. પરંતુ હવે જો નવો નિયમ અમલી બનશે તો બીસીસીઆઇ પર પ વર્ષ સુધી ગાંગુલીરાજ રહી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer