જીએસટી વસૂલાતમાં વધારો

નવી દિલ્હી, તા. 1 : કુલ ઘરેલુ પેદાશ (જીડીપી)નાં મોરચે સતત નિરાશાના સમાચારની વચ્ચે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની વસુલાત પર ખુશ?ખબર આવ્યા છે. ત્રણ મહિના બાદ નવેમ્બરમાં ફરીથી એક લાખ કરોડ રૂપિયાનાં સ્તરને પાર કરી ગઇ હતી. નવેમ્બરમાં જીએસટી વસૂલાત એક વર્ષ પહેલાં આ જ મહિનાની સરખામણીએ છ ટકા વધીને 1.03 લાખ કરોડ પર પહોંચી છે. આ પહેલાં ઓકટોબર મહિનામાં તે વસૂલાત 95,380 કરોડ રૂપિયા હતી, જ્યારે  ગત વર્ષે નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયાની વસૂલાત થઇ હતી. એક સત્તાવાર નિવેદન મુજબ, આ વખતે નવેમ્બરમાં કેન્દ્રીય જીએસટીથી વસૂલાત 19,592 કરોડ રૂપિયા  રાજ્ય જીએસટીથી 27,144 કરોડ  રૂપિયા સંકલિત જીએસટીથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી ઉપકરથી વસૂલાત 7,727 કરોડ રૂપિયા રહી હતી. એકીકૃત જીએસટીમાંથી 20,948 કરોડ રૂપિયા આયાતમાંથી વસૂલ થયા હતા. આ જ પ્રકારે ઉપકર (સેસ)ની વસૂલાતમાં 869 કરોડ રૂપિયા આયાતીના માલ પર ઉપકરમાંથી પ્રાપ્ત થયા હતા. આ પહેલાં સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં જીએસટી વસૂલાતમાં વાર્ષિક આધારે ઘટાડો થયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, નવેમ્બરમાં ઘરેલુ લેવડ દેવડ પર જીએસટી વસૂલાતમાં 12 ટકાનો વધારો નોંધાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer