સસ્તા મોબાઈલ દરના દિવસો સમાપ્ત

નવી દિલ્હી,તા.1 ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ભીતિ મુજબ મોબાઈલ ફોનના નેટ અને વાતચીતના દરોમાં મોટો વધારો કરી દેવાયો છે. વોડાફોન અને આઈડિયાના નવા ટેરિફમાં વિવિધ પ્લાન 42 ટકા સુધી મોંઘા બન્યા છે. 84 દિવસની વેલિડિટીવાળા 399 રૂપિયાનો પ્લાન માટે હવે પ99 રૂપિયા ચૂકવવા પડશે. સાથે જ કંપનીએ અન્ય નેટવર્ક પર થનારા કોલ્સ માટે એફયુપી લિમિટ પણ નક્કી કરી દીધી છે.  એરટેલના પણ દર વધ્યા હોવાના હેવાલ છે.  દરમ્યાન જિયોએ પણ જાહેરાત કરી છે કે 6 ડિસેમ્બરથી મોબાઈલ દર 40 ટકા જેટલા વધી જશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં ઓલ ઈન વન પ્લાન લાવશે, જેમાં ગ્રાહકોને અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલ મળશે. નવા પ્લાન 40 ટકા જેટલા મોંઘા હશે પણ ગ્રાહકોને ફાયદોય થશે. ત્રીજી ડિસેમ્બરથી આ નવા પ્લાન અમલી બનશે. દરમ્યાન, એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓ પણ ટૂંક સમયમાં ભાવ વધારો જારી કરે તેવી શક્યતા છે. પ્લાન બદલ્યા બાદ વોડાફોનના પોર્ટફોલિયોમાં હવે 36પ દિવસની વેલિડિટીવાળા બે,84 દિવસની વેલિડિટીના ત્રણ અને 28 દિવસની વેલિડીટીના 4 પ્લાન ઉપરાંત બે કોમ્બો પ્લાન પણ સામેલ છે. જે ડેટા,ટોકટાઈમ અને રેટ કટર બેનિફિટ સાથે આવે છે. એવું મનાય છે કે કંપનીએ હવે ઓલરાઉન્ડ પેક્સ ખતમ કરી દીધા છે. તેના સ્થાને હવે યુઝર્સને 49 અને 79 રૂપિયાના બે કોમ્બો વાઉચર ઓફર કરાઈ રહ્યા છે. 49ના પ્લાનમાં 38 રૂપિયાનો ટોકટાઈમ,100 એમ.બી. ડેટા અપાશે.વોઈસ કોલ માટે કંપની પ્રતિ સેકન્ડ 2.પ પૈસા લેશે.વધુ લોકો જેનો ઉપયોગ કરે છે એ 84 દિવસની વેલિડિટીવાળા પ્લાન બહુ મોંઘા થઈ ગયા છે. હવે પ99 રૂપિયાના પ્લાનમાં રોજ 1.પ જીબી ડેટા અને 699 રૂપિયાના પ્લાનમાં રોજ બે જીબી ડેટા ઓફર કરાય છે. બંને પ્લાન અનલિમિટેડ ઓનનેટ કોલિંગ અને રોજ 100 મફત એસએમએસ સાથે આવે છે. આમ 399વાળો પ્લાન પ99માં પડશે. 399ના નવા પ્લાનમાં યુઝર્સને 84 દિવસમાં 6 જીબી ડેટા ઓફર કરાય છે. અનલિમિટેડ કોલિંગ અને દિવસના 100 એસએમએસ પણ મળે છે. 28 દિવસની વેલિડિટીમાં 149 રૂપિયામાં બે જીબી ડેટા, 300 એસએમએસ અને વોડાફોન નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગની ઓફર છે. 249માં રોજ 1.પ જીબી ડેટા,અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ સામેલ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer