ઉત્પાદનમાં 100 લાખ કરોડનું રોકાણ

નવી દિલ્હી, તા. 1 : નાણામંત્રી નિર્મલા સીતારામને દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંદર્ભમાં કહ્યું હતું કે, સરકાર આગામી એક મહિનામાં અલગ અલગ પાયાનાં માળાખાં સંબંધિત પરિયોજનાઓમાં આયોજનબદ્ધ રીતે 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. નાણામંત્રીનું એલાન શુક્રવારે જારી થયેલા જીડીપીના આંકડા બાદ સામે આવ્યું છે. જેના મુજબ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ 4.5 ટકા સુધી તૂટયો હતો. જે 2013 બાદનો દેશનો સૌથી નબળો આર્થિક વિકાસ દર છે. કહેવાઈ રહ્યું છે કે અધિકારીઓનો એક સમૂહ એવી પરિયોજનાઓની વિગતો એકત્રિત કરે છે. જેમાં ભંડોળ મળતાંની સાથે જ રોકાણ કરવાની જરૂરિયાત છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, કામગીરી લગભગ પૂરી થઈ છે. 15 ડિસેમ્બર પહેલાં ઓછામાં ઓછી 10 પરિયોજનાઓમાં રોકાણની ઘોષણા કરવા સરકાર સક્ષમ હશે. 2014મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થામાં સુધારા અને વિદેશી રોકાણમાં વૃદ્ધિ લાવવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા પણ સંરચનાત્મક સુધારાની કમીના કારણે લક્ષ્યાંક પૂરા કરવામાં નિષ્ફળતા મળી રહી છે. જો કે, આર્થિક પડકારો છતાં પણ 2019માં ફરી જીત મેળવવામાં સફળ રહ્યા છે અને બાદમાં આર્થિક વિકાસને ગતિ આપવા મહત્ત્વનાં પગલાં પણ ભરવામાં આવ્યાં છે. જેમાં કોર્પોરેટ ટેક્સમાં કામ, સરકાર ફર્મોનું ખાનગીકરણ વગેરે સામેલ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer