તબીબના દુષ્કર્મીને ફાસ્ટ ટ્રેક કોર્ટથી સજા

હૈદરાબાદ, તા. 1 : તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસના દોષીઓને કડક સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે. મામલાની તપાસ જલ્દી પૂરી કરીને અપરાધી હેવાનોને સખત સજા કરાશે. દરમ્યાન, પોલીસે ટાયર મિકેનિક, પેટ્રોલપંપ સહિત વિવિધ સ્થળે લાગેલા સીસીટીવીના ફુટેજ અને તાંત્રિક પુરાવાઓના આધારે આરોપીઓની ઓળખ કરી લેતાં માત્ર 48 કલાકમાં ચારેય નરાધમની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. તેલંગાણા મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન રાવે તેજીથી તપાસ કરવાનો આદેશ આપી દીધો છે.તેલંગાણા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી  ઉલ્ટી દિશાથી બાઈક લાવી રહ્યા હતા. સીસીટીવી ફુટેજ તપાસતાં બે આરોપી દેખાયા હતા. અન્ય ફૂટેજમાં રજિસ્ટ્રેશન નંબર વિનાની એક ટ્રક લાંબા સમય સુધી રસ્તા પર ઊભેલી દેખાઈ હતી. અગાઉના સમયથી સીસીટીવી જોતાં ટ્રકને ઘટનાથી 6-7 કલાક પહેલાં લાવીને ત્યાં ઊભાડી દેવાઈ હતી.પીડિતાની બહેને પોલીસને જણાવ્યું હતું કે, વાહન ખરાબ થઈ જતાં મદદ કરવા અજાણ્યા શખ્સો આવ્યા હતા. પંક્ચર થયેલા ટાયરમાં હવા ભરાવવા શખ્સો આવ્યા હોવાનું મિકેનિકે પોલીસને જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer