દેશમાં ભયનો માહોલ : બજાજ

નવી દિલ્હી, તા. 1 : જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે મોદી સરકાર પર નિશાન તાકીને જણાવ્યું છે કે દેશમાં હાલ ભયનો માહોલ છે. લોકો સરકારની આલોચના કરતાં ડરે છે. મુંબઈમાં એક મીડિયાના એવોર્ડ સમારોહમાં ગૃહ મંત્રીની હાજરીમાં જ બજાજે આ નિવેદન કર્યું હતું અને શાહે તેમને ત્યાં જ જવાબ આપ્યો હતો કે કોઈએ ડરવાની જરૂર નથી. તો કોંગ્રેસે રાહુલ બજાજને સમર્થન આપીને કહ્યું હતું કે દેશમાં એવું કોઈક તો છે જે અવાજ ઉઠાવે છે. હવે બાયોકોનના એમ.ડી. કિરણ મઝુમદાર શોએ રાહુલ બજાજનું સમર્થન કરીને જણાવ્યું હતું કે, સરકાર અર્થવ્યવસ્થા અંગે કોઇ આલોચના સાંભળવા જ માગતી નથી. આશા છે હવે તે ઉદ્યોગજગતનો સંપર્ક કરશે.બજાજે જણાવ્યું હતું કે દેશમાં અત્યારે બીકનું વાતાવરણ છે. લોકો સરકારની ટીકા કરતાં ડરે છે કારણ કે સરકાર એ ટીકાને વખાણશે તો નહીં એમ લોકોને લાગે છે.  એવોર્ડ કાર્યક્રમમાં શાહની ઉપસ્થિતિમાં જ બજાજે આ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તમે સારું કામ કરો તો પણ અમે સીધી રીતે તમારી આલોચના કરીએ તો તમે તેને સ્વીકારશો, તેની પ્રશંસા કરશો એવો વિશ્વાસ નથી. આ બાબતમાં હું ખોટો હોઉં એવું પણ બની શકે. બજાજે ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા દ્વારા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવાનો પણ મુદો ઉઠાવીને કહ્યું હતું કે પહેલા તો પ્રજ્ઞાને ટિકિટ આપવામાં આવી, અને તેઓ જીત્યા તો તેમને સંરક્ષણ અંગેની સમિતિમાં સામેલ પણ કરવામાં આવ્યાં. આ માહોલ અમારા મનમાં છે પણ કોઈ એ અંગે બોલશે નહીં.શાહે ડરની વાત નકારીને કહ્યું હતું કે કોઈએ કોઈ વિશે ડરવાની જરૂર નથી. મીડિયામાં નરેન્દ્ર મોદીની સતત આલોચના થઈ રહી છે. પણ જો તમે એમ કહેતા હો કે આ રીતનો માહોલ ઉભો થઈ રહ્યો છે તો આપણે તેને સુધારવાની જરૂર છે. અમારી સરકાર પારદર્શી રીતે કામ કરી રહી છે અને જો તેની આલોચના થાય અને એ આલોચનામાં દમ હોય તો અમે તે વાત સુધારવાના પ્રયાસ પણ કરીએ છીએ. પ્રજ્ઞા અંગે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર અને ભાજપ પ્રજ્ઞાના નિવેદનની આકરી આલોચના કરીએ છીએ.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer