હું હજી હિન્દુત્વની વિચારધારા સાથે : ઉદ્ધવ

મુંબઈ, તા.1 : મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મિત્ર ગણાવ્યા હતા. સાથે સાથે તેમને એવો ટોણો પણ મારી દીધો હતો કે `મેં ક્યારેય એમ નહોતું કહ્યું કે, હું પાછો આવીશ'. ગૃહના અધ્યક્ષ નાના પાટીલે દ્વારા ભાજપ વિધાનસભા પક્ષનાં નેતા પદે દેવેન્દ્ર ફડણવીસ નામ જાહેર થયા બાદ બોલતાં મુખ્યમંત્રીએ આ ટોણો માર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા. ચૂંટણી પહેલાંના એ પત્ર સંદર્ભનો હતો કે જેમાં ફડણવીસે કહ્યું હતું `હું પાછો આવીશ'. ઠાકરેએ તેમનાં વક્તવ્યમાં કહ્યું કે મેં ક્યારેય એમ કહ્યું નથી કે, હું પાછો આવીશ, પરંતુ ગૃહમાં આવ્યો. જો કે મુખ્યમંત્રીએ ફડણવીસપ્રત્યે નરમ વલણ અપનાવવાનાં પણ સંકેત આપ્યા હતા.ઉદ્ધવે મહારાષ્ટ્ર વિધાનસભામાં રવિવારે કહ્યું હતું કે, તેમણે દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણું શીખ્યું છે. એ જ કારણે તેમની સાથે મિત્રતા હંમેશાં જળવાયેલી રહેશે. આ સાથે ઉદ્ધવે એમ પણ કહ્યું કે, `હું હજુ પણ હિન્દુત્ત્વની વિચારધારાની સાથે છું, અને મેં આગળનાં પાંચ વર્ષોમાં ક્યારેય પણ સરકારને દગો નથી આપ્યો. ઉદ્ધવે કહ્યું કે, જો તમે (દેવેન્દ્ર ફડણવીસ) અમારા માટે સારા થાત તો ભાજપ-શિવસેનામાં ક્યારેય ફૂટ ન પડત. ઉદ્ધવે વધુમાં જણાવ્યું કે, `હું નસીબવાળો મુખ્યમંત્રી છું, કારણ કે, જે લોકો માત્ર વિપક્ષમાં હતા, તેઓ મારી સાથે છે અને હું જેમની સાથે હતો તેઓ હવે વિપક્ષમાં છે. હું અહીં મારા ભાગ્ય અને લોકોનાં આશીર્વાદથી અહીં આવ્યો છું. મેં કોઈને ક્યારેય નથી કહ્યું કે, હું અહીં આવીશ, પરંતુ હું આવ્યો છું.' ઉદ્ધવે ઉમેર્યું કે, `હું તમને (ફડણવીસ) વિપક્ષનાં નેતા નહીં કહું, પરંતુ તમને એક જવાબદાર નેતાના રૂપમાં બોલાવીશ.આ પહેલાં ભાજપે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને વિપક્ષનાં નેતા પદે ચૂંટી કાઢ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer