વરસામેડી નજીકથી અંગ્રેજી દેશી દારૂ સાથે 1ની ધરપકડ
ગાંધીધામ, તા 1 : અંજાર તાલુકાના વરસામેડીની બાગેશ્રી ચોકડી નજીકથી પોલીસે એક શખ્સ પાસેથી રૂા. 4500નો દારૂ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. વરસામેડીની બાગેશ્રી ચોકડી પાસે ગત રાત્રે સ્થાનિક પોલીસ વાહન ચેકિંગમાં હતી, દરમ્યાન બાગેશ્રી 9માં રહેનાર દિનેશ સીતારામ બાવરી નામનો શખ્સ બાઇક નંબર જીજે- 12-બીએસ- 2309 લઇને નીકળતાં પોલીસે તેને અટકાવ્યો હતો. વિમલ ગુટખાના બે થેલા લઇને જઇ રહેલો આ શખ્સ શંકાસ્પદ જણાતા તેની પાસે રહેલા આ થેલા તપાસવામાં આવ્યા હતા. બાઇકની આગળ ટીંગાડેલા થેલામાંથી પાર્ટી સ્પેશિયલની 12 બોટલ તથા પાછળ ટીંગાડેલ થેલામાંથી 15 લિટર દેશી દારૂ એમ કુલ રૂા. 4500નો દારૂ જપ્ત કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સે કયાંથી દારૂ મેળવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.