હયાતી ખરાઈના છેલ્લા દિવસે પણ લિફટ ડીપીટી પ્રશાસને ચાલુ કરી ખરી

ગાંધીધામ, તા.1 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નિવૃત્ત પેન્શનર્સને નવેમ્બર મહિનામાં હયાતીની ખરાઈ કરાવવા પ્રશાસનિક ભવનમાં આવવું પડે છે. અત્યંત સંવેદનશીલ એવા ડીપીટીના વહીવટીતંત્રે અભૂતપૂર્વ સંવેદનશીલતા બતાવીને આખો મહિનો બંધ રહેલી પ્રથમ માળે વૃદ્ધોને લઈ જતી લિફટ આજે છેલ્લા દિવસે ચાલુ કરી દીધી હતી. પરિણામે હયાતીની ખરાઈ માટે આવતા વૃદ્ધોને આવતાં વર્ષે કદાચ દાદરા નહીં ચડવા પડે અખબારોમાં વારંવાર આવતા પેન્શનર્સના પ્રશ્નો, વિવિધ કામદાર સંગઠનોની અપીલ છતાંય ડીપીટીના નાણા વિભાગ કે પેન્શન વિભાગે ભોંયતળિયે એક કારકૂન બેસાડીને હયાતીની ખરાઈની પ્રક્રિયા ન જ શરૂ  કરી. છેલ્લે તો ડીપીટી અધ્યક્ષે પણ સૂચના આપી તેનુંય  પાલન ન થયું. સારું છે કે લિફટનો વહીવટ પેન્શન કે નાણા વિભાગ હસ્તક નહોતો એટલે ભલે છેલ્લા દિવસે પણ તે શરૂ થઈ તો શકી. જોવાનું હવે એ રહે છે કે, તદન અસહિષ્ણુ એવા નાણા વિભાગને શરમ આવે છે કે નહીં. આવતાં વર્ષ સુધી આ લિફટ ચાલુ નહીં રહે તો ફરી નવેમ્બરમાં ડીપીટીના 60થી 80 વર્ષની વયના પેન્શનર્સ પુન: દાદરા ચડવા મજબૂર બનશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer