કંડલા ધીંગાણા પ્રકરણે બન્ને પક્ષે 30 સામે ફોજદારી

ગાંધીધામ, તા. 1 : બંદરીય કંડલાના મીઠા પોર્ટમાં શનિવારે બપોરે બે જૂથ વચ્ચે ખેલાયેલા સશત્ર ધીંગાણા અને બેવડી હત્યાના બનાવમાં ગત મોડી રાત્રે સામસામે ફરિયાદ નોંધાવાઈ હતી. બન્ને પક્ષે કુલ 30 આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધાવાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  શનિવારે બપોરે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં મામદ યાકુબ મુગરાણી અને દાઉદ ઈસ્માઈલ બુચડની  ઘાતકી હત્યા નીપજાવાઈ હતી. જ્યારે બન્ને પક્ષે પાંચ જણને હળવાથી ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. આ મામલે મોડી રાત્રે બેવડી હત્યાના મામલે ફરિયાદી ઈબ્રાહીમ ઉર્ફે અભુ સિધિક મુગરાણીએ આરોપીઓ ગની હારૂન મમણ, અબ્દુલ ઉર્ફે એભલ ગની મમણ, ઓસમાણ ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા, હુસેન ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા, અકબર ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા, ગફુર મામદ ઉર્ફે સામત મથડા, અબ્બાસ હારૂન મમણ, કાસમ હારૂન મથડા, ફકીરમામદ હારૂન મથડા, ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા, ઈબ્રાહીમ ઈસ્માઈલ ઉર્ફે સામત મથડા, મામદ ઉર્ફે મમલો મથડા, બિલાલ હાજી મમણ, હવાબાઈ રમજાન સોઢા,  રહીમાબેન ગની હારૂન, ફાતમા હારૂન મમણ, કુરશા અકબર ઈસ્માઈલ મથડા અને અમરાબેન ગની  હારૂન સહિત 18 જણ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયા પ્રમાણે આરોપી ગની હારૂન મીઠાપોર્ટ કંડલા મુસ્લિમ સમાજનો પ્રમુખ હતો. જેથી સામાજિક અને ધાર્મિક કાર્ય માટે સમાજના લોકો  દ્વારા  ખેરાત રોકડા રૂપિયા આપતા હતા તે ગની પોતાની પાસે રાખતો હતો. આ રકમનો હિસાબ આપવા માટે ફરિયાદી અને સમાજના લોકોએ આરોપી ગનીને કહ્યું હતું તો તેણે હિસાબ આપવાની ના પાડી દીધી હતી. જેથી મીઠાપોર્ટ મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે ગનીને હટાવી ફરિયાદીના માસીના દીકરા ઓસ્માણ હુસેનને પ્રમુખનો ચાર્જ આપ્યો હતો. તેમજ મસ્જિદની બાજુમાં મલબો નાખવાના મુદ્દે પણ અંટશ હતી. પ્રમુખપદેથી હટાવવાનું અને મલબા બાબતે મનદુ:ખ રાખી આરોપી ગની ચાર પાંચ દિવસથી ફરિયાદીને ધાકધમકી આપતો હતો. આ મામલે ફરિયાદીના સંબંધીઓ બપોરે તેમના ઘરે આવ્યા  હતા અને ગની સામે ફરિયાદ નોંધાવવાની ચર્ચા કરતા હતા. આ  દરમ્યાન આરોપી ટોળાં સાથે ફરિયાદીના ઘરે આવી ધાકધમકી કરતો હતો. આરોપી સાથેના માણસોના હાથમાં છરી, તલવાર, ધોકા, પાઈપ જેવા ઘાતક હથિયારો  હતા. તેના વડે  ફરિયાદીના સંબંધીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા. સામા પક્ષે ફરિયાદી ગની હારૂન મમણે આરોપીઓ અસગર હુશેન બુચડ, દાઉદ બુચડ, સુલેમાન હુશેન બુચડ, ઉમર સુલેમાન મુગરાણી, અકબર જાકુબ મુગરાણી, મામદ જાકુબ મુગરાણી, જાકુબ સિદિક મુગરાણી, હાસમ સિદિક મુગરાણી, ગફુર હાસમ મુગરાણી, અનવર જાકુબ મુગરાણી, સિધિક ઈબ્રાહીમ મુગરાણી અને ઈબ્રાહીમ સિધિક મુગરાણી સહિત 12 જણ સામે હત્યાનો પ્રયાસ, મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. બાઈક ભટકાવવા મુદ્દે સમાધાન કરવા ભેગા થયા હતા. આ દરમ્યાન આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદીના મામા મામી ઉપર તીક્ષ્ણ હથિયાર  વડે હુમલો કરી પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદીને છાતીના ભાગે છરી મારી હતી. આદિપુરની ખાનગી હોસ્પિટલમાં પણ સામે પક્ષના લોકોએ ધકબુશટનો માર મારતાં પોલીસ બંદોબસ્ત તળે અંજારની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ગંભીર રીતે ઘવાયેલા શેરબાનુને તાકીદની સારવાર માટે રાત્રિના અમદાવાદ લઈ જવાયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer