રાજપર પાસે બાઇક પિલરમાં અથડાતાં ચાલકનું મોત, સહસવાર યુવતી જખ્મી

ભુજ, તા. 1 : માંડવી તાલુકામાં ગઢશીશા વિસ્તારમાં રાજપર ગામ નજીક બિલેશ્વર મંદિર પાસે પૂરપાટ જઇ રહેલી બાઇક બેકાબૂ બનીને માર્ગ ઉપરના પિલર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ દ્વિચક્રીના ચાલક મૂળ ઉત્તરપ્રદેશના અને હાલે ગઢશીશા રહેતા મનોજ રામખિલાવન પાસવાન (ઉ.વ. 23)ની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. જ્યારે સહસવાર સોનુબેન લોકેશ પાસવાનને ગંભીર ઇજાઓ થઇ હતી. તો બીજી બાજુ અંજાર તાલુકાના મખિયાણા ગામે 40 વર્ષની વયની મહિલા હંસાબેન ભીખાભાઇ સાલઇ ઠાકોરે ગળેફાંસો ખાઇને કોઇ કારણોસર આપઘાત કરી લીધો હતો. અમારા ગઢશીશાના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ રાજપર પાસે બિલેશ્વર મંદિર નજીક મનોજ પાસવાન અને સોનુ પાસવાન બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા કોઇ વાહનની લાઇટ થકી આંખો અંજાઇ જતાં બાઇકના ચાલક મનોજે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં આ વાહન બેકાબૂ  બનીને રસ્તાની બાજુએ આવેલા પિલરમાં અથડાયું હતું.આ ઘટનામાં મનોજને અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. જે તેના માટે તત્કાળ યમદૂત બની હતી. જ્યારે સોનુને ગંભીર ઇજાઓ થતાં તેને દવાખાને દાખલ કરાઇ હતી. મૃતક ચાલક સામે સોનુએ અકસ્માત બાબતે ફરિયાદ લખાવી હતી, તેમ પોલીસે જણાવ્યું હતું.જ્યારે અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ અંજાર તાલુકાના મખિયાણા ગામે ગળેફાંસો ખાઇને હંસાબેન ભીખાભાઇ સાલઇ ઠાકોર (ઉ.વ. 40) નામની મહિલાએ મોતનો માર્ગ અપનાવી લીધો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બાબતે પોલીસે આપેલી માહિતી મુજબ મરનાર મહિલાએ ગઇકાલે  સવારે ખેતરમાં ઝાડ ઉપર લટકી જઇને આત્મહત્યા કરી લીધી હતી. મખિયાણા ગામની સીમમાં હેતુભા ગોડજીની વાડીમાં પાણીના છેલામાં આ ઘટના બની હતી. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer