ગાંધીધામનાં પોલીસ મથકના નાક નીચે બે દુકાનોના તાળાં તૂટયા

ગાંધીધામ, તા. 1 : શહેરના સતત ધમધમતા એવા જૂના પોલીસ સ્ટેશન નજીક બે બંધ દુકાનોના તાળાં તોડી નિશાચરો તેમાંથી રોકડ રૂા. 20,000ની ચોરી કરીને નાસી ગયા હતા.શહેરનાં જૂના એ -ડિવિઝન પોલીસ મથક ચાર રસ્તા પાસે આવેલ છાયા પાન સેન્ટર  તથા ભગવાન ગુરુ મુખદાસ ભાનુશાળીની કાપડની દુકાનમાં હાથ અજમાવ્યો હતો. બનાવના ફરિયાદી ઇશ્વરલાલ હીરાલાલ  સેવક અને કાપડની દુકાનના માલિક આ બન્ને રાત્રે પોતાની દુકાનો બંધ કરીને ઘરે ગયા હતા. બાદમાં આજે સવારે ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કાપડની દુકાનના શટરના તાળાં તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રહેલ તમામ કપડા વેરવિખેર કરી નાખ્યા હતા. પરંતુ આ તસ્કરોને આ દુકાનમાંથી કાંઇ ન મળતાં સામે આવેલ છાયા પાન સેન્ટર પાસે ગયા હતા અને આ દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા. દુકાનના ગલ્લામાં રાખેલી રોકડ રૂા. 20,000 તથા એસ.બી.આઇ. બેંકની પાસબુકની ચોરી કરીને નાસી ગયા હતા.જૂના પોલીસ મથક નજીક જ આવેલી આ બે દુકાનોના તાળાં તૂટવાને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આ શહેરમાં દરરોજ ચોરીના બનાવો બની રહ્યાં છે પરતુ શોધનની કામગીરી નહીંવત હોવાની લાગણી લોકોમાં પ્રસરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer