વાગડની એક પણ શાળા મર્જ ન કરવા ધારાસભ્યની સરકારને ચેતવણી

રાપર, તા. 1 : વાગડ વિસ્તારના અંતરિયાળ ગામોમાં જે પ્રાથમિક શાળાઓ છે તે ખૂબ ઉપયોગી છે. આ વિસ્તારની સંભવિત 84 શાળાઓને મર્જ કરવાની કાર્યવાહી શરૂ થઇ છે તે અંગે રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ સરકારને પત્ર લખી વાગડની એક પણ શાળા મર્જ ન કરવા ચેતવણી આપી છે. સંતોકબેને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શૈક્ષણિક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારીને પત્રથી લેખિત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વાગડના અંતરિયાળ ગામોમાં શાળાઓ બનતાં દિન-પ્રતિદિન વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ મર્જ કરવાની કાર્યવાહી શરૂ કરી છે જેમાં સંભવિત યાદી મુજબ રાપર તાલુકાની 60 અને ભચાઉ તાલુકાની 24થી વધુ શાળાઓ છે. જેમાં અંતરિયાળ ગામડાઓ અને વાંઢો પણ  સામેલ છે. આ સંભવિત સૂચિ મુજબ રાપર તાલુકા હેઠળના પ્રાગપરની 5, ફતેહગઢ અને બેલાની એક- એક, બાલાસરની ત્રણ, ભીમાસરની 9, મોટી રવ, સુવઇ અને મોટી હમીરપરની બે-બે, રામવાવ, ગેડી, આડેસર, કીડિયાનગર અને ત્રંબૌની ત્રણ-ત્રણ, સેલારી, ખીરઇની એક-એક, ગાગોદર, નૂતન સણવા અને પલાંસવાની બે-બે, ચિત્રોડ અને થોરિયારીની પાંચ-પાંચ શાળાઓ તેમજ ભચાઉ તાલુકા હેઠળની આધોઇ, ખારોઇ, જંગી અને સામખિયાળીની બે-બે, કંથકોટ, કલ્યાણપર ખડીર, ગઢડા ખડીર, જૂના કટારિયા અને મોરગરની ત્રણ-ત્રણ અને ચોબારીની એક શાળા છે. આ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ છે અને આ શાળાઓ અન્ય શાળાઓ મર્જ થતા તેઓના શૈક્ષણિક જીવન પર માઠી અસર થશે અને શિક્ષણથી વંચિત રહી જવાની પણ ભીતિ પત્રમાં વ્યક્ત કરી આ કાર્યવાહી માટે ચેતવણી ધારાસભ્ય સંતોકબેને આપી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer