હાઉસિંગ સોસાયટીઓના પડતર પ્રશ્નો ઝડપભેર ઉકેલવા માટે ખાતરી અપાઈ

ભુજ, તા.1 : કચ્છ જિલ્લા સહકારી હાઉસિંગ ફેડરેશન-ભુજ આયોજિત નવા વર્ષે સ્નેહમિલન બેઠકમાં ફેડરેશનના પ્રમુખ દેવરાજભાઈ કે. ગઢવીએ હાઉસિંગ સોસાયટીના પડતર પ્રશ્નોમાં સોસાયટીઓ વધુ સક્રિય બની સહકાર આપશે તો તેમના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપી હતી તેમજ રજૂ થયેલા પ્રશ્નો પરત્વે માર્ગદર્શન આપ્યું હતું. ફેડરેશનના મહામંત્રી જગદીશ અ. મહેતાએ આવકાર આપતાં સોસાયટીના સભ્યોમાં તેમના પ્લોટ્સ વ્યકિતગત રીતે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની પ્રક્રિયા માટે જાગૃતતા વધી છે. આ અંગે જરૂરી માર્ગદર્શન પણ ફેડરેશન દ્વારા અપાય છે. આ અંગે ફેડરેશન દ્વારા થયેલા સક્રિય પ્રયાસોથી સૌને અવગત કરાવી સંબંધિત સરકારી કચેરીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સ્નેહમિલનમાં સોસાયટીને એકમ ગણી તેને સંયુક્તપણે મંજૂરી મળવા, સહકારી હાઉસિંગ ફેડરેશન વસાહતોમાં કન્વેયન્સ ડીડ દ્વારા મકાનો તબદીલ થાય છે તેવી પદ્ધતિ જૂની શરત માટે લાગુ કરવા, સોસાયટીના રહેણાકના મકાનોમાં સરકારની મંજૂરી વગર હેતુફેર કરી તેનો વ્યાપક ગેરઉપયોગ બંધ કરવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. જેની ચર્ચામાં ફેડરેશનના ઉપપ્રમુખ અમૃતભાઈ પટેલ, ખજાનચી શંભુભાઈ પોપટ, કારોબારી સભ્યો પ્રવીણભાઈ ઠક્કર, કાશીરામભાઈ જોષી, અરવિંદભાઈ જોષી, ભાનુબેન કોઠારી, સોસાયટી પ્રતિનિધિઓ પુરુષોત્તમભાઈ વાઘમશી, ભ્રાંતિબેન વોરા સહિતનાઓએ ભાગ લઈ સૂચનો કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer