જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા

ભુજ, તા. 1 : કચ્છમાં ઘરગથ્થુ વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના વધેલા ભાવ નજરે જથ્થાબંધ વેચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તા.16મી નવે.2019થી અમલમાં આવતાં તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી મુકરર કરાયા છે. જિલ્લા કલેક્ટર નાગરાજન એમ. દ્વારા બહાર પાડેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ નક્કી કરાયા છે. ગાંધીધામ તાલુકા માટે એક લિટરે રૂા 35.05, અંજાર તાલુકો રૂ. 35.13, ભચાઉ?તાલુકો રૂ. 35.20, ભુજ તાલુકો રૂ. 35.37, મુન્દ્રા તાલુકો રૂ. 35.37, રાપર તાલુકો રૂ. 35.46, નખત્રાણા તાલુકો રૂ. 35.58, માંડવી તાલુકો રૂ. 35.59, અબડાસા મુ. નલિયા તાલુકો રૂ. 35.74, લખપત મુ. દયાપર તાલુકો રૂ. 35.87. આ ભાવો જિલ્લાના તાલુકાના મુખ્ય મથકના હોઈ, કેરોસીનના ઓઈલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલિવરી આપવા જાય ત્યારે 10 કિલો મીટરના દરેક સ્ટેજે વધુમાં વધુ 50 કિલોમીટર સુધી એક લિટરે પાંચ પૈસા (વધુમાં વધુ પચ્ચીસ પૈસા) જથ્થાબંધ ભાવ ઉપરાંત વધુ સ્ટેજ ચાર્જ લઈ શકશે અને લીધેલા ચાર્જ ઉપર 5 ટકા જીએસટી લગાડીને જથ્થાબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે. કેરોસીનના છૂટક વિક્રેતા સ્ટેજ ખર્ચની રકમ બિલ મુજબ ગણતરી કરતાં નજીકના પાંચ પૈસાના ગુણાંકમાં છૂટક વિક્રેતા કેરોસીનના વેચાણ બિલ બનાવી કેરોસીનનું વેચાણ કરી શકશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer