આડેસર ચેક પોસ્ટમાં તોડફોડ, પોલીસ પર હુમલો

આડેસર ચેક પોસ્ટમાં તોડફોડ, પોલીસ પર હુમલો
આડેસર, તા. 21 : રાપર તાલુકાના આ ગામ નજીક પોલીસ ચેક પોસ્ટ ઉપર પોલીસે અમુક વાહનો તપાસ અર્થે રોકાવતાં 16થી 18 શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસ કર્મીઓ તથા જી.આર.ડી. જવાન ઉપર હુમલો કરી, ચેકપોસ્ટમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવને પગલે પોલીસમાં દોડધામ થઇ પડી હતી. આ ચકચારી બનાવ અંગે આડેસર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ પોલીસ ચેક પોસ્ટ ઉપર ગત રાત્રે કોન્સ્ટેબલ મકનસિંહ રણજિતસિંહ વાઘેલા, અશોકભાઇ, જી.આર.ડી. બાબુ લખમણ ભટ્ટી, કાદરભાઇ પોતાની ફરજ ઉપર હતા. આ કર્મચારીઓ ચેક પોસ્ટ ઉપરથી પસાર થતા વાહનોની તપાસ કરી રહ્યા હતા. દરમ્યાન પંજાબ પાસિંગનું એક ટ્રેઇલર અહીં આવીને ઊભું રહેતાં આ વાહનને બાબુ ભટ્ટીએ અટકાવ્યું હતું, આ વાહનમાં બેઠેલા 25થી 30 વર્ષીય કાળા રંગના પંજાબી કપડાં પહેરેલા ચાલક તથા કલીનર નીચે ઊતર્યા હતા. આ શખ્સોએ પોતાનું વાહન રોડની વચ્ચે મૂકી આ જી.આર.ડી. જવાન સાથે બોલાચાલી કરી રહ્યા હતા તે દરમ્યાન તેમને સમજાવવા જતાં આ બનેની સાથે અન્ય 7થી 8 ટ્રકના ચાલકો, કલીનરો ત્યાં ધસી આવ્યા હતા. પંજાબી કપડાં તથા સરદારની પાઘડી પહેરેલા દાઢી મૂછવાળા તથા અમુક પેન્ટ શર્ટવાળા શખ્સો ધોકા, ટામી લઇને દોડી આવ્યા હતા. તેમણે બાબુ તથા કાદર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં પોલીસ ચોકીમાં ઘૂસી તેમાં તોડફોડ કરી સી.સી. ટીવીના મોનિટર વગેરે સાધનો તોડી નાખ્યા હતા. આ શખ્સો ફરિયાદી એવા મકનસિંહ વાઘેલા તથા અશોકભાઇના મોબાઇલની લૂંટ કરી નાસી ગયા હતા. આ શખ્સો વિરુદ્ધ 307, 395, 333, 324, 323, 447 તથા જી.પી. એકટની કલમ 135 અને પબ્લિક પોપર્ટી ડેમેજ એકટની કલમ 4 મુજબ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ શખ્સો પૈકી અમુક શખ્સો પકડાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસે તેને સમર્થન આપ્યું નહોતું. જિલ્લા બહાર જતા અને આવતા વાહનો ઉપર નજર રાખવા, તપાસ અર્થે બનાવાયેલી આડેસર ચેક પોસ્ટના પોલીસ કર્મીઓ ઉપર હુમલાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer