અદાણી સંચાલિત જી.કે.માં ટ્રોમા સેન્ટર બે વખત લોકાર્પણ છતાં શરૂ ન થયું

અદાણી સંચાલિત જી.કે.માં ટ્રોમા સેન્ટર બે વખત લોકાર્પણ છતાં શરૂ ન થયું
ભુજ, તા. 21 : અદાણી ગ્રુપ સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના અનેક વાર લોકાર્પણ છતાં શરૂ થયું નથી. જે ત્વરિત શરૂ થાય, પૂરતા તબીબોની ભરતી તેમજ સુવિધા વધારવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને કોંગ્રેસના પ્રદેશમંત્રી રફીક મારાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.અમદાવાદ પહોંચતા એમ્બ્યુલન્સને છ કલાક લાગે છે, જેનાથી 60 ટકા લોકો પાછા પોતાના ઘરે પહોંચતા જ નથી. નવજાત શિશુનો હોસ્પિટલમાં મૃત્યુદર 25 ટકા છે. જે તેઓ પોતે સ્વીકાર કરે છે. બાર મહિનામાં કેટલાય બાળકોના મૃત્યુ થયા, તેનો પર્દાફાશ કરાયાનો આવેદનપત્રમાં દાવો કરાયો હતો. કચ્છ અંજારના દાતા ગોરધનદાસ ખેતશીએ લગભગ 1952-53ના સમયમાં 12 એકર જમીન ગુજરાતના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગને દાનમાં આપી હતી. જેના પરથી જી. કે. જનરલ હોસ્પિટલનો પ્રારંભ થયો, જે 2001ના ભૂકંપમાં નષ્ટ થઈ, ત્યારના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈએ ભૂકંપપ્રૂફ હોસ્પિટલ લોકોના નાણાંમાંથી બનાવી.  પ્રાઈમ લોકેશન હોવાથી 1000 કરોડની જમીન અને હોસ્પિટલ બાંધકામ અને બધું સાથે 1500 કરોડની આ જાહેર સંપત્તિ અદાણી  ગ્રુપને અપાઈ છે. જેને અનેક યોજનામાં કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે. બધી દવા ગુજરાત સરકાર આપે છે. ઉપરાંત મા અમૃતમ, મા વાત્સલ્ય, આયુષ્માન જેવી અનેક સરકારી યોજનાના પૈસા અદાણી હોસ્પિટલને મળે છે. આ કેમ્પસમાં અદાણીએ મેડિકલ કોલેજ બનાવી, જેમાંથી એડમિશન-મેનેજમેન્ટ ક્વોટા વગેરેની આવકમાંથી સંચાલન 30 ટકા નાણાંથી થઈ જાય છે. બાકી નાણાં ક્યાં જાય છે તે જાણવાનો કચ્છના લોકોને અધિકાર છે તેવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. કચ્છમાં એવી કોઈ હોસ્પિટલ નથી, જેમાં બધા રોગોની સારવાર થઈ શકે, તો વધારાની ટેકનોલોજીવાળા ટ્રોમા સેન્ટર કચ્છીઓ માટે નથી આપી શકતા? ત્રણ વર્ષમાં બે વાર ઉદ્ઘાટન થયું પણ ચાલુ નથી થયું. સરકારને એક વિનંતી કરતાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લાખો એકર અદાણીને આપી છે, પરંતુ 15થી 20 એકર જેટલી જમીન અન્ય જગ્યાએ આપી કચ્છને હોસ્પિટલ અને આરોગ્ય સુવિધાઓ પહેલાના ધોરણે અપાય. એક દિવસીય પ્રતીક ઉપવાસમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ, અગ્રણીઓ, કાર્યક્રમ સાથે રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer