ભુજની સિટીબસ સેવા ટૂંક સમયમાં શરૂ

ભુજની સિટીબસ સેવા ટૂંક સમયમાં શરૂ
ભુજ, તા. 21 : સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ સહિતના શહેરીજનોને ઉપયોગી એવી સિટીબસ સેવા પુન: શરૂ થાય તે માટે તખ્તો ઘડાઇ રહ્યો છે. જો કે, ઓપનએર થિયેટર પાસે સુધરાઇ હસ્તકની બે બસો સાવ ભંગાર હાલતમાં ફેરવાયેલી પડી છે અને હવે તો તેમાંથી ચોરી થઇ શકે તેવું પણ કાંઇ નથી બચ્યું ત્યારે તેનો નિકાલ કરે તે પણ જરૂરી છે.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસીઓ ન મળતાં તથા ખોટ વધતી જતી હોવાના કારણોસર મીતરાજ ટ્રાવેલ્સ દ્વારા સિટીબસ સેવા બંધ કરાઇ જેને પગલે ભુજના સિનિયર સિટીઝન તેમજ આસપાસના સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેમજ મોંઘા ભાડાં ખર્ચી અન્ય વાહનો મારફતે ગંતવ્ય સ્થાને પહોંચવું પડતું હતું. આ બાબત ધ્યાને લઇ ભુજ સુધરાઇ દ્વારા આ સેવા ફરી શરૂ થાય તેવા પ્રયત્નો શરૂ કરાયા અને અગાઉ આ કોન્ટ્રાકટ લેનારા નવદુર્ગા પરિવહન મંડળી સાથે વાતચીતનો દોર ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં સિટીબસ સેવા ફરી શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.  ભુજનો વિસ્તાર વધ્યો છે અને બસ સ્ટેશન નવા સ્થળે ખસેડાયું છે. પણ મુખ્ય બજાર નજીક હોવાથી દૂર-દૂરથી આવતા લોકોની અવર-જવર સતત રહે છે અને તેમના માટે સિટીબસ સેવા આશીર્વાદરૂપ હોવાથી સત્વરે સેવા શરૂ થાય તેવી માંગ પણ ઊઠી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer