પૂર્વ કચ્છમાં પોલીસે 41.65 લાખનો અધધધ દારૂ પકડયો

પૂર્વ કચ્છમાં પોલીસે 41.65 લાખનો અધધધ દારૂ પકડયો
ગાંધીધામ, તા. 21 :પૂર્વ કચ્છમાં એલ.સી.બી. અને સ્થાનિક પોલીસે ત્રણ જગ્યાએ દારૂના દરોડા પાડી રૂા. 41,65,000નો શરાબ જપ્ત કર્યો હતો. સૌથી મોટો દરોડો લાકડિયા નજીક એક હોટેલ પાસે પણ કન્ટેનરવાળા ટેમ્પોમાંથી રૂા. 21,50,400નો દારૂ જપ્ત કરાયો હતો. તેમજ ગળપાદર ત્રણ?રસ્તા પુલિયા નજીક ટ્રકમાંથી રૂા. 19,86,600નો શરાબ હસ્તગત કરાયો હતો. અંજારમાં એક કારમાંથી રૂા. 28,000નો દારૂ પણ કબજે લેવાયો હતો. આ ત્રણેય દરોડા દરમ્યાન ત્રણ આરોપી પકડાયા હતા, જ્યારે ત્રણ પોલીસના હાથમાં આવ્યા ન હતા. ભચાઉ તાલુકાના લાકડિયા નજીક આવેલી રંગીલા શિવકૃપા રાજસ્થાન હોટેલના કમ્પાઉન્ડમાં આજે બપોરે એલસીબીએ છાપો માર્યો હતો. આ કમ્પાઉન્ડમાં ઉભો રહેલો ટેમ્પો જેમાં પાછળ ડાક પાર્સલ જેવો ઢાંચો હતો, તેના ચાલક રવિન્દ્ર શેરસિંઘ જાટ અને ક્લીનર રાજેશ ઓમપ્રકાશ ચમારને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતાં આ વાહનમાં દારૂ હોવાની કેફિયત તેમણે આપી હતી.આ વાહનમાંથી હેટ પ્રિમિયમ વ્હીસ્કી 180 એમ.એલ.ના ક્વાર્ટરિયાની 448 પેટી એમ 21,504 નંગ નાની બાટલી કિંમત રૂા. 21,50,400નો  શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. દારૂનો આ જથ્થો ભિવંડીથી ભરી કચ્છના લાકડિયા નજીક રંગીલા રાજસ્થાન હોટેલ પાસે ઉભા રહેવા માલ ભરી આપનાર સંજય જાટે આ બંનેને જણાવ્યું હતું. આ બન્ને અજાણ્યા નંબર પરથી ફોન આવવાની તથા કોઇ દારૂ લઇ જાય તેની રાહ જોઇ રહ્યા હતા. દરમ્યાન પૂર્વબાતમીના આધારે પોલીસે દારૂની આ ખેપ નિષ્ફળ બનાવી હતી. સ્થાનિકે આ દારૂ કોણે મગાવ્યો હતો તે હજુ બહાર આવ્યું નથી. બીજો દરોડો ગાંધીધામના ગળપાદર ત્રણ રસ્તાથી ભચાઉ બાજુનો સર્વિસ રોડ ઉપર પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. આજે વહેલી પરોઢે અહીં વાહન ચેકીંગ કરી રહી હતી. દરમ્યાન ટ્રક નંબર જી. જે. 12 એકસ-2193નો ચાલક રામવાવનો પુના ભાવા બારૂપા નામનો શખ્સ ટ્રક રેઢી મૂકીને નાસી ગયો હતો. આ ટ્રકમાં રહેલી ઇંટો હટાવીને પોલીસે તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. આ વાહનમાંથી પાર્ટી સ્પેશ્યલ ડીલકસ વ્હીસ્કીની 750 એમ.એલ.ની 5676 બોટલ કિંમત રૂા. 19,86,600નો અંગ્રેજી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.આ ટ્રકના માલિક તરીકે સોઢા ફળિયું ખાનાય અબડાસાના દિપસિંહ ખેતસિંહ સોઢા હોવાનું બહાર આવ્યું હતું. ગાડીમાં રહેલા વીમાના કાગળિયામાં પોલિસી લેનાર તરીકે દેવપર યક્ષના ભાનુબેન ભરત ભગત હોવાનું બહાર આવ્યું હતું. આ ટ્રક રેઢી મૂકીને નાસી જનારો પુના બારૂપા કયાંથી દારૂ લાવ્યો હતો અને કયાં લઇ જવાનો હતો તે હજુ બહાર આવ્યું નથી. દારૂ અંગેનો ત્રીજો દરોડો અંજાર નવાનગર જી.આઇ. ડી.સી.માં પાડવામાં આવ્યો હતો અહીં રહેતા રાજેશ ઉર્ફે રાજીયો કમલેશ ગરવાના ઘર પાસે રહેલી કાર નંબર જી.જે. 03-સી.ઇ.- 5430માંથી રૂા. 28,000ની 80 બોટલ જપ્ત કરવામાં આવી હતી. પરંતુ સૂત્રધાર એવો રાજેશ પોલીસના હાથમાં આવ્યો ન હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer