આજથી ઇડનગાર્ડનમાં ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ

કોલકત્તા, તા. 21 : ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આવતીકાલ શુક્રવારથી નવા યુગની શરૂઆત થશે. કોલકાતાના ઇડનગાર્ડન સ્ટેડિયમ પર ભારત તેની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી તેની તમામ ટેસ્ટ મેચ લાલ દડાથી રમતી આવી છે. હવે પહેલીવાર ગુલાબી દડાથી ટેસ્ટ ક્રિકેટ માટે મેદાને પડશે. બાંગલાદેશ વિરુદ્ધની શ્રેણીની બીજી અને આખરી આ ટેસ્ટ મેચ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. કોલકાતામાં રમાનારી આ મેચ જીતીને ભારતની નજર ટેસ્ટ શ્રેણીમાં પ્રવાસી ટીમ બાંગલાદેશનો 2-0થી સફાયો કરવા પર રહેશે. ઇન્દોરમાં રમાયેલી પહેલી ટેસ્ટ ફકત 3 દિવસમાં જ સમાપ્ત થઇ ગઈ હતી. ભારતે એક ઇનિંગ્સથી આસાન જીત મેળવી હતી. એ મેચમાં યુવા ઓપનર મયંક અગ્રવાલે 243 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ બાંગલાદેશની ટીમ ભારતના પેસ એન્ડ સ્પીન આક્રમણ સામે પહેલી ઇનિંગ્સ 150માં અને બીજી ઇનિંગ્સમાં 213 રનમાં ડૂલ થઇ ગઇ હતી. બંને ટીમ માટે આ મેચ ઐતિહાસિક બની રહેશે. કારણ કે ભારત અને બાંગલાદેશ પહેલીવાર તેમની ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા ઊતરી રહી છે. બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા બાદથી સૌરવ ગાંગુલીના આ મિશનને તેની સૌથી મોટી ઉપલબ્ધિના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ગાંગુલીને લીધે જ બાંગલાદેશની ટીમ ડે-નાઇટ ટેસ્ટ રમવા રાજી થઇ હતી. ઇડનગાર્ડન પર રમાનારી આ ડે-નાઇટ ટેસ્ટમાં એસ.જી.નો પિંક બોલ ઉપયોગમાં લેવામાં આવશે. જેનો પ્રયોગ પહેલીવાર થઇ રહ્યો છે. આથી એ જોવું દિલચસ્પ બની રહેશે કે એસ.જી.નો ગુલાબી દડો દિવસભર કેવો વર્તાવ કરે છે. ભારતના ચેતેશ્વર પૂજારા અને કુલદીપ યાદવ સહિતના કેટલાક ખેલાડીઓને ડે-નાઇટમાં ગુલાબી દડાથી રમવાનો અનુભવ છે. જ્યારે બાંગલાદેશનો કોઇ ખેલાડી ગુલાબી દડાથી રમવાનો અનુભવ ધરાવતો નથી. નિષ્ણાતોના મતે દિવસ-રાત્રિની ટેસ્ટ મેચમાં સાંજના સમયે ગુલાબી દડાથી બેટધરોને તકલીફ થઇ શકે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer