મોટા કાંડાગરામાં દીક્ષા પ્રસંગે 20 લાખ એકત્ર

મોટા કાંડાગરામાં દીક્ષા પ્રસંગે 20 લાખ એકત્ર
ભુજ, તા. 21 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે અચલગચ્છાધીપતિ ગુણોદય સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુમુક્ષુ પ્રતીકકુમાર છેડાની દીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કલાપ્રભસાગરસુરીશ્વવરજી મ.સા., વીરભદ્રસાગરસુરીશ્વરજી મ.સા., આઠ કોટિ મોટી પક્ષના કાર્યવાહક દિનેશ મુનિ, તારાચંદ મુની મ.સા. આદિ ઠાણા અને અન્ય સાધુ સંતો તથા સાધ્વી મહાસતીજીની હાજરીમાં કચ્છભરમાંથી અને બહાર ગામથી આવેલા શ્રાવક અને શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં પ્રતીક કુમારને ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા.એ દીક્ષા ગ્રહણ કરાવી હતી. મોટા કાંડાગરા ગામે 25 વરસ પછી શ્રાવકની દીક્ષાનો આ પ્રસંગ હોવાથી ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે વિધિકાર નરેન્દ્રભાઇ નંદુ અને તેમની ટીમે સંચાલન કર્યું હતું. દીક્ષા પ્રસંગે પ્રિયંકરસાગર મ.સા.એ માંગલિક ફરમાવતાં આ સંસાર ને આ ભૌતિક સુખને છોડીને સંયમનો માર્ગ સ્વીકાર કર્યો છે ત્યારે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું હોય તો આ વિતરાગનો માર્ગ જ સાચો માર્ગ છે. એકત્રીત થનાર તમામ રકમ આચાર્યની સૂચના અનુસાર સાધુ-સાધ્વીના વૈયાવચ્છ માટે મોકલવામાં આવશે અને જીવદયા માટે એકત્રીત થયેલ ફંડ કાંડાગરા પાંગળાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને સુપરત કરવામાં આવશે તેમ સંઘના પ્રમુખ દેવચંદભાઇ છેડાએ જણાવ્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, શામજીભાઇ વોરા, સરપંચ જોરુભા ઝાલા તથા અન્ય સામાજિક તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  દીક્ષાર્થી પરિવાર તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું. મુંબઇ વસતા મોટા કાંડાગરા ગામના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં વતન આવ્યા હતા. જીવદયા તથા સાધુ-સાધ્વી વૈયાવચ્છ માટે રૂા. 20 લાખથી વધુ ભંડોળ એકત્રીત થયું હતું. મહાજનના મંત્રી કિશોરભાઇ ગાલા, ટોકરશીભાઇ ગાલા, મંગલભાઇ છેડા, કેતનભાઇ ગાલા પરિવારના બંસીભાઇ છેડા વિગેરે કાંડાગરા યુવા પાંખના યુવાઓ, મહિલા પાંખની બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer