વાગડના વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે જાત ઘસી નાખનારાના પથ ઉપર ચાલવા અનુરોધ

વાગડના વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે જાત ઘસી નાખનારાના પથ ઉપર ચાલવા અનુરોધ
ભુજ, તા. 21 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે લીલાવંતીબેન જે. મહેતાના સૌજન્યથી ગ્રામ સ્વરાજ સંઘ નીલપર (તા. રાપર) સંચાલિત વિનય મંદિર અને સુશીલ શીશુ શાળાના વિવિધ જ્ઞાતિના 250 જેટલા છાત્રો માટે ત્રિવેણી સંગમ સમાન સમારોહ યોજાયો હતો. જેમાં ધો. 1થી 10ના તેજસ્વી તારલાઓ અને વિવિધ કળાઓમાં માહિર પ્રતિભા સંપન્ન 60 છાત્રોનું અભિવાદન કરાયું હતું. શાળાના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના અધ્યક્ષસ્થાને અને ભુજના જૈન અગ્રણી અને દાતા પરિવારના ચમનલાલ જે. મહેતાના અતિથિ વિશેષ પદે યોજાયેલા કાર્યક્રમને નાની બાળાઓએ ખુલ્લો મૂક્યો હતો. શાળા સંચાલક નકુલભાઇ ભાવસારે સંસ્થા પરિચય સાથે સ્વાગત કર્યું હતું. શાંતિલાલ મોતાએ પ્રસંગ પરિચય સાથે સંસ્થાની સેવા પ્રવૃત્તિની ઝલક આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ અભિવાદનના દોરમાં ધો. 1થી 10માં પ્રથમ અને દ્વિતીય સ્થાન હાંસલ કરનાર તેજસ્વી તારલાઓ તેમજ છાત્રાલય જીવન, સ્વચ્છતા, ઉદ્યોગ, કર્તવ્ય પરાયણતા, રસોઇકળા, નિયમિતતા, સિલાઇ, નૃત્ય, વાદન, સંગીત, સુલેખન, વૃક્ષ ઉછેર, ભરતગૂંથણ, બ્યૂટીપાર્લર, કોમ્પ્યુટર, ગૃહકાર્ય આદિ કળાઓમાં માહિર, પ્રતિભા સંપન્ન 60 છાત્રોનું મંચસ્થ મહાનુભાવો, સંસ્થાના કાર્યકરો અને મુકતાબેન ભાવસાર, દિલીપભાઇ?પટેલ,  અમૃતભાઇ પવાર વિ.ના હસ્તે ખાસ શૈક્ષણિક ઉપકરણો વડે અભિવાદન કરાયું હતું અને તમામ છાત્રોને 125 પેન્ટ સહિત વિવિધ જણસોની સોગાદ આપવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી મહેતાએ આઝાદીના સમયથી વાગડના વંચિત સમુદાયના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખનાર સેવાના ભેખધારી મણિલાલભાઇ સંઘવી,  દયારામભાઇ કેવડિયા, મગનલાલભાઇ સોની, જગશીભાઇ દોશી વિ.એ કંડારેલ કેડીએ  ચાલવા આહવાન કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી તથા શાંતિલાલ મોતાએ  વ્યસનથી થતા વિનાશ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા બાબતે વિવેચન કરી તમામ છાત્રોને પોતાના પરિવારોમાંથી વ્યસનોને તિલાંજલિ અપાવવા અને સ્વચ્છતા અપનાવવા અનુરોધ કર્યો હતો. ચમનલાલભાઇ મહેતા, હિરેન દોશી, શાંતિલાલ મોતા, મુકતાબેન ભાવસાર,  નકુલ ભાવસાર, ડાહ્યાભાઇ ઠાકોર,  ઇશ્વરભાઇ પરમાર, પૂજાબા ગોહીલ, સંગીતા મકવાણા, મુકેશભાઇ ગજ્જર વિ.એ જહેમત ઉઠાવી હતી. સંચાલન અને આભારવિધિ અમૃતભાઇ પવારે કર્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer